04 June, 2025 07:37 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
વૅલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્ક
ભારતમાં સૌથી આકર્ષક કુદરતી અજાયબીઓમાંના એક એવા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા વૅલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્કને સત્તાવાર રીતે પહેલી જૂને આ સીઝન માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. પહેલા જ દિવસે ૮૩ ટ્રેકર્સે એની મુલાકાત લીધી હતી. વૅલીમાં જંગલી ફૂલો ખીલવા લાગ્યાં છે અને ચારે બાજુ હિમાલયના બર્ફીલા પહાડો છે. જેમને પ્રકૃતિ અને સાહસ ગમે છે તેમના માટે વૅલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.
વૅલી ઑફ ફ્લાવર્સ ઘાસનાં મેદાનો, હિમાલયની દુર્લભ વનસ્પતિઓ અને બરફથી ઢંકાયેલાં શિખરો માટે પ્રખ્યાત છે. દર વર્ષે જૂનથી ઑક્ટોબર એને સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જોકે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જુલાઈ અને ઑગસ્ટ છે કારણ કે એ ફ્લાવરિંગની મોસમ છે. એ સમયે ૬૦૦થી વધુ પ્રજાતિઓનાં ફૂલોથી વૅલી છવાઈ જાય છે.