Uttarakhand Rains: નૈનીતાલનો રાજ્ય સાથે સંપર્ક તૂટયો, ૩૪નાં મૃત્યુ

19 October, 2021 08:53 PM IST  |  Dehradun | Gujarati Mid-day Online Correspondent

અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તા બંધ થઈ ગયા છે, જેને પગલે રાજ્યના બાકીના સ્થળો સાથે આ લોકપ્રિય પર્યટન સ્થળનો સંપર્ક તૂટી ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ૩૪ લોકોના મોત થયા છે. વરસાદના કારણે ઘણા મકાનો તૂટી પડ્યા છે અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે. અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તા બંધ થઈ ગયા છે, જેને પગલે રાજ્યના બાકીના સ્થળો સાથે આ લોકપ્રિય પર્યટન સ્થળનો સંપર્ક તૂટી ગયો છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂનમાં પત્રકારોને જણાવ્યું હતું કે “વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ધામીએ ખાતરી આપી હતી કે રાજ્યમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે ટૂંક સમયમાં આર્મીના ત્રણ હેલિકોપ્ટર આવશે. આમાંથી બે હેલિકોપ્ટર નૈનીતાલ મોકલવામાં આવશે જ્યાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે.”

મુખ્યમંત્રીએ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ધનસિંહ રાવત અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અશોક કુમારની સાથે વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને વહેલી તકે ખેડૂતોને થયેલા નુકસાનનો રિપોર્ટ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે લોકોને ન ગભરાવવાની અપીલ પણ કરી અને કહ્યું કે તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચારધામ યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે તે જ્યાં છે ત્યાં રહે અને હવામાન સુધરે તે પહેલા યાત્રા શરૂ ન કરે. તેમણે ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને ચારધામ યાત્રાના માર્ગ પર ફસાયેલા યાત્રાળુઓની ખાસ કાળજી લેવા નિર્દેશ આપ્યો હતો.

ધામીએ કહ્યું કે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું કે અવિરત વરસાદની ખેડૂતો પર મોટી અસર પડી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તમામ શક્ય મદદનું વચન આપ્યું હતું. નૈનીતાલમાં, મોલ રોડ અને નૈની તળાવના કાંઠે નૈના દેવી મંદિર છલકાઈ ગયું છે, જ્યારે ભૂસ્ખલનથી છાત્રાલયની ઇમારતને નુકસાન થયું છે. નૈનીતાલના એક અહેવાલ મુજબ, જિલ્લા વહીવટીતંત્ર શહેરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે. શહેરમાં અને બહાર મુસાફરી કરતા મુસાફરોને ચેતવવા પોલીસ તહેનાત કરવામાં આવી છે અને મુસાફરોને વરસાદ બંધ ન થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે.

national news uttarakhand nainital