૯ વર્ષમાં ૨૪૨ કરોડ રોપા વાવવામાં આવ્યા, ૨૦૨૬માં ૩૫ કરોડ વૃક્ષારોપણનો ઉત્તર પ્રદેશ સરકારનો લક્ષ્યાંક

05 March, 2026 09:50 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં છેલ્લાં ૯ વર્ષમાં ૨૪૨ કરોડથી વધુ રોપા વાવવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ હવે ગ્રીન ફ્રન્ટ પર પણ નવો ઇતિહાસ લખી રહ્યું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં છેલ્લાં ૯ વર્ષમાં ૨૪૨ કરોડથી વધુ રોપા વાવવામાં આવ્યા છે. હવે યોગી સરકારે ૨૦૨૬ની ચોમાસાની ઋતુ માટે ૩૫ કરોડ રોપા વાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તાજેતરના બજેટમાં સામાજિક વનીકરણ યોજના માટે ૮૦૦ કરોડ, નર્સરી વ્યવસ્થાપન માટે ૨૨૦ કરોડ અને રાજ્ય વળતર વનીકરણ યોજના માટે ૧૮૯ કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ થાય છે.

ગ્રીન ઉત્તર પ્રદેશ મિશન હવે મિશન મોડમાં ચાલી રહ્યું છે. ગયા વર્ષે ૯ જુલાઈએ રાજ્યમાં એક જ દિવસમાં ૩૭.૨૧ કરોડ રોપા વાવીને રેકૉર્ડ બનાવ્યો હતો. વધુમાં વારાણસીના સુજાબાદ ડોમરી વિસ્તારમાં આયોજિત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન માત્ર એક કલાકમાં ૨,૫૨,૪૪૬ રોપા વાવીને ચીનનો ૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. આ સિદ્ધિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના જજ ઋષિનાથ દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી, જેમણે મેયર અશોકકુમાર તિવારી અને મ્યુનિસિપલ કમિશનર હિમાંશુ નાગપાલને પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.

નવ વર્ષમાં વન-આવરણ વધ્યું

૨૦૧૭માં સત્તા સંભાળ્યા પછી મુખ્ય પ્રધાન યોગીએ પર્યાવરણીય સંરક્ષણ અને સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને પ્રાથમિકતા આપી છે. ભારતીય વન રાજ્ય અહેવાલ ૨૦૨૩ અનુસાર રાજ્યના વન-આવરણમાં ૫૫૯.૧૯ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં વન-આવરણની દૃષ્ટિએ આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનને પણ દેશવ્યાપી પ્રશંસા મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ પહેલની પ્રશંસા કરી હતી. સરકારે ૨૦૨૫ની એકથી ૭ જુલાઈ વચ્ચે જન્મેલાં ૧૮,૩૪૮ બાળકોને ગ્રીન ગોલ્ડ સર્ટિફિકેટ અને તેમના પરિવારોને રોપાઓ આપીને પર્યાવરણને જાહેર ચળવળ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

national news india uttar pradesh environment yogi adityanath indian government