ધર્મસંસદ વિશે સવાલ કરાતાં કેશવ પ્રસાદ ગુસ્સે થઈ ગયા

12 January, 2022 09:30 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઇન્ટરવ્યુ અધવચ્ચે જ રોકી દીધો હતો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય ધર્મસંસદમાં કરવામાં આવેલાં ભડકાઉ ભાષણો વિશે સવાલ પૂછવામાં આવતાં અત્યંત નારાજ થઈ ગયા હતા અને ઇન્ટરવ્યુ અધવચ્ચે જ રોકી દીધો હતો. 
એક ઇન્ટરવ્યુમાં હરિદ્વારમાં ધર્મસંસદમાં ભાષણો વિશે સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે ‘બીજેપીને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. અમે ‘સબ કા સાથ, સબકા વિકાસ’માં વિશ્વાસ કરીએ છીએ. ધર્માચાર્યોને પોતાની વાત પોતાના મંચ પર કહેવાનો અધિકાર હોય છે. તમે શા માટે માત્ર હિન્દુ ધર્માચાર્યોની જ વાત કરો છો? બીજા ધર્માચાર્યોએ કેવાં કેવાં નિવેદનો આપ્યાં છે તેમની વાત શા માટે કરતા નથી?’
લગભગ દસ મિનિટ સુધી સવાલોના જવાબ આપ્યા બાદ કેશવ પ્રસાદ મૌર્યે માત્ર ચૂંટણીને સંબંધિત વાતો કરવા જ કહ્યું હતું. 
જોકે ઇન્ટરવ્યુ લેનારા રિપોર્ટરે કહ્યું કે આ બાબત ચૂંટણીને સંબંધિત છે. નાયબ મુખ્ય પ્રધાન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે ‘તમે પત્રકારની જેમ નહીં, કોઈના ‘એજન્ટ’ની જેમ વાત કરી રહ્યા છો.’ એ પછી તેમણે પોતાના જૅકેટ પર લગાવેલું માઇક હટાવી દીધું અને કૅમેરા બંધ કરવા જણાવ્યું હતું. તેમણે એ પછી એ રિપોર્ટરનું કોવિડ માસ્ક ખેંચ્યું હતું અને સુરક્ષા કર્મચારીઓને બોલાવીને બળપૂર્વક વિડિયો ડિલિટ કરાવી દીધો હતો. 

national news uttar pradesh bharatiya janata party