અમેરિકન વાઇસ પ્રેસિડન્ટને ભારતમાં ભવ્ય આવકાર

22 April, 2025 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જે. ડી. વૅન્સે અક્ષરધામમાં વિતાવ્યો એક કલાક, મંદિરની કોતરણી ખૂબ ગમી : નરેન્દ્ર મોદીને મળ્યા; ટૅરિફ, સંરક્ષણ અને વેપાર મુદ્દે ચર્ચા કરી : જે. ડી. વૅન્સના બે પુત્રોએ પહેરેલા કુરતા-પાયજામા અને દીકરીએ પહેરેલો અનારકલી ડ્રેસ બન્યો આકર્ષણનું કેન્દ્ર

નરેન્દ્ર મોદીને ભેટતા જે. ડી. વૅન્સ.

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ તેમનાં ભારતીય મૂળનાં પત્ની ઉષા વૅન્સ અને ત્રણ બાળકો સાથે ગઈ કાલે દિલ્હીના પાલમ ઍરપોર્ટ પર ઊતર્યા હતા અને ચાર દિવસની તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. એક તરફ દુનિયાભરમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ-વૉરથી હાહાકાર મચ્યો છે ત્યારે વૅન્સ ચાર દિવસ ભારતમાં હોવાથી અનેક બેઠકોનો દોર યોજાવાનો છે.

જે.ડી. વૅન્સ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનાં બાળકોએે ભારતીય ટ્રેડિશનલ કપડાં પહેર્યાં હતાં.

પાલમ ઍરપોર્ટ પર વૅન્સ પરિવાર ઊતર્યોં ત્યારે તેમના બે પુત્રો ઇવાન અને વિવેકે પીળા અને બ્લુ રંગના કુરતા-પાયજામા પહેર્યાં હતાં તથા પુત્રી મરિબેલે બ્લુ રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. મરિબેલ નાનકડી પરી જેવી દેખાતી હતી. ઉષા વૅન્સે લાલ ડ્રેસ અને સફેદ કોટ પહેર્યો હતો.

દિલ્હીના અક્ષરધામ મંદિરમાં વૅન્સ પરિવાર.

પાલમ ઍરપોર્ટ પર કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. ગાર્ડ ઑફ ઑનર દ્વારા સ્વાગત બાદ તેમની સામે પરંપરાગત ભારતીય નૃત્ય-પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.

નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને વૅન્સ પરિવાર.

ઍરપોર્ટ પરથી વૅન્સ પરિવાર દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરમાં પહોંચ્યો હતો. તેમણે ભગવાન સ્વામીનારાયણની પ્રતિમાની પૂજા કરી હતી. મંદિરનાં પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે વૅન્સ પરિવાર આશરે પંચાવન મિનિટ માટે મંદિરમાં રોકાયો હતો. તેમને સ્મૃતિ ચિહ‌્ન આપવામાં આવ્યું હતું. વૅન્સને મંદિરની કોતરણી, કળા અને એના દ્વારા આપવામાં આવતો સંદેશ ખૂબ ગમ્યાં હતાં.

સાંજે ૬.૩૦ વાગ્યે જે. ડી. વૅન્સ નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા અને બન્ને નેતાઓ વચ્ચે આશરે એક કલાક સુધી ટૅરિફ, સંરક્ષણ અને વેપાર જેવા વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ રાત્રિ-ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે જયપુર, કાલે આગરા
જે. ડી. વૅન્સ આજે જયપુર જશે અને આવતી કાલે આગરા જઈ તાજમહલ અને આગરા ફોર્ટની મુલાકાત લેશે. રાત્રે જયપુર પાછા ફરશે અને ગુરુવારે સવારે ૬.૪૦ વાગ્યે જયપુરથી અમેરિકા જવા રવાના થશે.

narendra modi united states of america new delhi akshardham Tarrif national news news