12 May, 2025 01:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જે. ડી. વેન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી
૪ દિવસથી ચાલી રહેલી હવાઈ સૈન્ય કાર્યવાહી એકાએક રોકવામાં આવી એ સંદર્ભમાં CNNના અહેવાલમાં ખુલાસો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૭ મેથી ચાલી રહેલા સૈન્ય-સંઘર્ષને એકાએક ૪ દિવસ બાદ ૧૦ મેએ રોકી દેવાના સંદર્ભમાં અમેરિકન મીડિયા ગ્રુપ કેબલ ન્યુઝ નેટવર્ક (CNN)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સંઘર્ષમાં સપ્તાહના અંતે નાટકીય વધારો થઈ શકે એવી ચિંતાજનક ગુપ્ત માહિતી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વેન્સે શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી અને તેમણે વડા પ્રધાન મોદીને આ તનાવને ઓછો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ ઇસ્લામાબાદ અને નવી દિલ્હી એકબીજા સાથે સીધી વાતચીત કરવા સંમત થયાં હતાં અને બેઉ દેશો વચ્ચેના સંઘર્ષને રોકવામાં આવ્યો હતો. જોકે CNNના અહેવાલ સંદર્ભમાં ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
CNNના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાને ૪ દિવસના તીવ્ર હવાઈ યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય અમેરિકાના એક દિવસના રાજદ્વારી પગલા પછી લીધો હતો. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે વાન્સે વડા પ્રધાન મોદીને ફોન કરીને ચિંતાજનક ગુપ્ત માહિતી જણાવી હતી, જે સપ્તાહના અંતે નાટકીય વધઘટ સૂચવી રહી છે. જોકે આ જોખમ શું છે એ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું નહોતું.
શનિવારે સાંજે એક આશ્ચર્યજનક પગલામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ શનિવારે સવારે વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી હતી. માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે બન્ને સરકારો તટસ્થ સ્થળે વ્યાપક વાટાઘાટો શરૂ કરવા સંમત થઈ છે. જોકે ભારતે તટસ્થ સ્થળે વાતચીત વિશે કંઈ કહ્યું નથી.
વિદેશસચિવ વિક્રમ મિસરીએ લશ્કરી કાર્યવાહી બંધ કરવાના પગલાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બન્ને દેશોના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) સોમવારે બપોરે ૧૨ વાગ્યે વધુ વાતચીત કરશે. જોકે શનિવારે રાત્રે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું એટલે વિદેશસચિવ વિક્રમ મિસરીએ રાત્રે ૧૧ વાગ્યે ફરી પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુદ્ધવિરામનો ભંગ કરનારા પાકિસ્તાનને સખત અને આકરો જવાબ આપવા માટે સેનાને સૂચના આપી દેવામાં આવી છે.
જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત જોરદાર જવાબ આપશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે. ડી. વૅન્સને કહ્યું હતું...
પાકિસ્તાન સાથે તનાવ ઓછો કરવા અંગે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે.ડી . વૅન્સ સાથે ફોન પર વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો દેશ એનો જોરદાર જવાબ આપશે.
આ મુદ્દે સરકારી સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું કે વૅન્સે વડા પ્રધાન મોદી સાથે ફોન કરીને વાત કરી હતી. આ વાતચીત બાદ તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને ત્યાર બાદ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે ચર્ચા કરી હતી.
નવી દિલ્હીએ આ ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે જો પાકિસ્તાન ગોળીબાર નહીં કરે તો ભારત પણ સંયમ રાખશે. ભારતનો સંદેશ એ હતો કે જો આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માગીએ છીએ તો એ ફક્ત પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ને પરત કરવા, ગેરકાયદે વિસ્તારો અને આતંકવાદીઓને સોંપવા વિશે જ ચર્ચા કરવા તૈયાર છીએ.