ભારત-પાક વચ્ચે અમે નહીં આવીએ, તેઓ જાતે જ સમસ્યાનું સમાધાન કરે

18 April, 2024 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું એવા મોદીના નિવેદન પર અમેરિકાનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન વિશે જ્યારે અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તા મૅથ્યુ મિલરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં અગાઉ જ કહ્યું છે, અમેરિકા ક્યારે પણ પાકિસ્તાન કે ભારતની વચ્ચે નહીં આવે. બન્ને દેશ વાતચીતના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન કરે.’

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના ષડ્યંત્રને લઈ અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ કેમ લગાવ્યા નથી એવા સવાલના જવાબમાં મિલરે કહ્યું કે ‘હું ક્યારે પણ કોઈ પણ પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીનું પૂર્વાવલોકન નથી કરતો, અમેરિકા પ્રતિબંધોની બાબતે જાહેરમાં ચર્ચા નથી કરતું. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ પાંચમી એપ્રિલે પ્રકાશિત કરેલા અહેવાલમાં આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ કરાવે છે. અખબારનું કહેવું હતું કે ભારત પાકિસ્તાનમાં અંદર ઘૂસીને લોકોની હત્યા કરાવે છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં હૃષીકેશની સભામાં કહ્યું હતું કે આજે દેશમાં એક મજબૂત સરકાર છે. આ મજબૂત મોદી સરકારમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે.

national news narendra modi united states of america pakistan