J&Kના ડીજી (જેલ) હેમંત લોહિયાની હત્યા, આરોપીની ધરપકડ,વાંચો અત્યાર સુધીની અપડેટ્સ

04 October, 2022 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

57 વર્ષીય હેમંત લોહિયા 1992 બેચના IPS ઓફિસર હતા. લોહિયા લાંબા સમયથી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે જમ્મુ અને કાશ્મીર પરત ફર્યા હતા.

તસવીર સૌજન્ય મિડ-ડે

57 વર્ષીય હેમંત લોહિયા (Hemant Lohiya)  1992 બેચના IPS ઓફિસર હતા. લોહિયા લાંબા સમયથી સેન્ટ્રલ ડેપ્યુટેશન (Central Deputation)પર હતા પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે જમ્મુ અને કાશ્મીર પરત ફર્યા હતા.

આ સમય દરમિયાન, તેઓ હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) માં કમાન્ડન્ટ જનરલ તરીકે તૈનાત હતા. બાદમાં આ વર્ષે ઓગસ્ટમાં તેમને ડાયરેક્ટર જનરલ જેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સોમવારે મોડી સાંજે તેનો મૃતદેહ ઉદયવાલામાં તેના મિત્રના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો.

હેમંત લોહિયા તેમની પત્ની સાથે સોમવારે સાંજે તેમની સત્તાવાર કારમાં તેમના મિત્રના ઘરે પહોંચ્યા હતા.

સોમવારે સાંજે શું થયું?

જમ્મુ અને કાશ્મીર પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે મંગળવારે સવારે કહ્યું કે હત્યાના મુખ્ય આરોપી યાસિર અહેમદને કાનાચક વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે સોમવારે સાંજે હેમંત લોહિયાએ તેના મિત્રના પરિવાર સાથે જમ્યા બાદ તેના ઘરેલુ નોકર યાસિર અહેમદને રૂમમાં બોલાવ્યો અને તેને પગમાં માલિશ કરવાનું કહ્યું.

આ દરમિયાન તેની પત્ની તેની સાથે રૂમમાં હાજર ન હતી. તેના મિત્રના પરિવારના સભ્યો પણ આરામ કરવા પોતપોતાના રૂમમાં ગયા હતા.

દરમિયાન હેમંત લોહિયાની જોરદાર ચીસો સાંભળીને પરિવારના સભ્યો તેના રૂમ તરફ દોડ્યા તો રૂમ અંદરથી બંધ હતો.

પોલીસ તપાસ

પોલીસનું કહેવું છે કે આ દરમિયાન ઘરના નોકર યાસિરે હેમંત લોહિયા પર હુમલો કરીને તેમની હત્યા કરી હશે.

પોલીસે રૂમમાંથી તૂટેલી કેચઅપની બોટલ મળી આવી હતી. મોડી રાત્રે પોલીસે હેમંત લોહિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જમ્મુની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટના દાવાઓ

દરમિયાન, કાશ્મીર ઘાટી સ્થિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે.

PAFFએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના રેકોર્ડ મુજબ આ સંગઠન જૈશ સાથે સંકળાયેલું છે. સંગઠને તેની અખબારી યાદીમાં કહ્યું કે `ગૃહમંત્રીને આ અમારી નાની ભેટ છે. આપણે ગમે ત્યારે, ગમે ત્યાં કોઈને પણ મારી શકીએ છીએ.

જોકે, પોલીસે આ દાવાઓને ફગાવી દીધા છે.

PAFFના આ દાવાઓ પર પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે જમ્મુમાં પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં કોઈ આતંકવાદી કૃત્ય સ્પષ્ટ થયું નથી, પરંતુ કોઈપણ શક્યતાને નકારી કાઢવા માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

યાસિર અહેમદની માનસિક સ્થિતિ

દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે રામબનમાં રહેતો ઘરનો નોકર યાસિર અહેમદ હેમંત લોહિયાની હત્યાનો મુખ્ય આરોપી છે.

અગાઉ સ્થળ પરથી એકત્ર કરાયેલા કેટલાક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ આરોપી ગુનો કર્યા બાદ ભાગતો જોવા મળ્યો હતો.

પોલીસનું કહેવું છે કે યાસિર અહેમદ લગભગ 6 મહિનાથી હેમંત લોહિયાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે તેના વર્તનમાં ખૂબ જ આક્રમક હતો અને તે ડિપ્રેશનનો શિકાર પણ હતો.

તેની માનસિક સ્થિતિ દર્શાવતા કેટલાક દસ્તાવેજી પુરાવા ઉપરાંત ગુનાનું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

national news jammu and kashmir