Video Viral: શાળામાં ફેશિયલ કરાવતાં પ્રિન્સિપાલનો વીડિયો બનાવવા ગયેલ શિક્ષકને...

19 April, 2024 10:03 PM IST  |  Unnav | Gujarati Mid-day Online Correspondent

હકીકતે પ્રિન્સિપાલ સ્કૂલમાં જ પાર્લર સ્ટાફને બોલાવીને ફેશિયલ કરાવી રહી હતી. આ દરમિયાન એક શિક્ષિકાએ તેમને જોઈ લીધા અને વીડિયો બનાવવા માંડ્યાં. શિક્ષિકાને આમ કરતી જોઈ હેડ માસ્તરનો પારો ચડ્યો અને તે બન્ને અંદરોઅંદર બાખડી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કોઈપણ શાળામાં પ્રિન્સિપાલનું પદ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ હોય છે. પ્રિન્સિપાલ પર શાળાને સુચારૂરૂપે ચલાવવા અને શિસ્ત જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. પણ જો કોઈ વિદ્યાલયમાં હેડ માસ્તર જ એવું વર્તન કરતા જોવા મળે જે કેમ્પસની માન-મર્યાદા વિરુદ્ધ હોય, તો તમે કેવી રીતે રિએક્ટ કરશો? આવું જ કંઈક થયું છે ઉત્તર પ્રદેશમાં આવેલા ઉન્નાવના બીઘાપુરના દાદામઉ પ્રાથમિક વિદ્યાલયમાં.

હકીકતે પ્રિન્સિપાલ સ્કૂલમાં જ પાર્લર સ્ટાફને બોલાવીને ફેશિયલ કરાવી રહી હતી. આ દરમિયાન એક શિક્ષિકાએ તેમને જોઈ લીધા અને વીડિયો બનાવવા માંડ્યાં. શિક્ષિકાને આમ કરતી જોઈ હેડ માસ્તરનો પારો ચડ્યો અને તે બન્ને અંદરોઅંદર બાખડી. વાત એટલી વકરી કે પ્રિન્સિપાલે ટીચર પર હુમલો કરી દીધો.

કિચનમાં ચાલી રહ્યું હતું ફેશિયલ
પ્રિન્સિપાલે પહેલા શિક્ષકના બંને હાથ પર ડંખ માર્યો અને પછી ઈંટના ઘા મારીને ઈજા કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર @ManojSh28986262 એ X પર વિડિયો શેર કર્યો છે જેમાં તમે જોઈ શકશો કે શાળાના રસોડામાં ફેશિયલ કરવામાં આવી રહ્યું છે.

શિક્ષકના હાથમાં ફોન જોઈને તે તેને છીનવી લેવાનો પ્રયાસ કરે છે. બીજા વિડિયોમાં શિક્ષક પોતાનો હાથ બતાવતી જોવા મળે છે જેમાં દાંતમાંથી કરડવાના નિશાન સ્પષ્ટ દેખાય છે. હાથ પરના ઘામાંથી લોહી પણ નીકળતું જોવા મળે છે. સહાયક શિક્ષકે મુખ્ય શિક્ષક વિરૂદ્ધ મોટાપુર કોતવાલીમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પોસ્ટનો જવાબ આપતાં ઉન્નાવ પોલીસે લખ્યું છે - બીઘાપુર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 લાખ 71 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે. આ વાત સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં યુટ્યુબરો વ્યુઝ, સબસ્ક્રાઇબર્સ વધારવાના ચક્કરમાં અવનવા તુક્કા અજમાવતા હોય છે, પણ બૅન્ગલોરમાં આવું કંઈક કરવા જતાં યુટ્યુબરને જેલની હવા ખાવી પડી હતી. વિકાસ ગૌડા નામનો યુટ્યુબર પોતાની ચૅનલ માટે બૅન્ગલોરના કેમ્પેગૌડા ઍરપૉર્ટનો વિડિયો શૂટ કરવા માગતો હતો. જોકે ફ્લાઇટની ટિકિટ વગર ઍરપોર્ટમાં એન્ટ્રી ન મળે એટલે તે ચેન્નઈ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી ઍરપોર્ટ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ટિકિટ હોવાથી તેને ટર્મિનલ-ટૂ પરથી પ્રવેશ તો મળી ગયો હતો, પણ પ્લેનમાં બેસવાના બદલે તે ઍરપોર્ટ એરિયામાં ફરીને વિડિયો શૂટ કરતો રહ્યો હતો. આશરે ૬ કલાક સુધી તેણે શૂટિંગ કર્યું હતું. એ પછી ફ્લાઇટ ચૂકી ગયો છું એમ કહીને તે ઍરપોર્ટની બહાર નીકળી ગયો હતો. જોકે બાદમાં ઍરપોર્ટની સિક્યૉરિટી સંભાળતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સ (CISF)ના અધિકારીની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

uttar pradesh Crime News national news