રામ, કૃષ્ણ અને શિવ ભારતીય મુસ્લિમોના પૂર્વજો : યુપીના પ્રધાન આનં‌દ સ્વરૂપ શુક્લા

25 September, 2021 10:22 AM IST  |  Ballia | Gujarati Mid-day Correspondent

વિશ્વના કેટલાક લોકો સિરિયા અને અફઘાનિસ્તાન પછી હવે આખા વિશ્વને ઇસ્લામી સ્ટેટ બનાવવા માગે છે

આનંaદ સ્વરૂપ શુક્લા

ઉત્તર પ્રદેશના સંસદીય બાબતોને લગતા ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન આનંદ સ્વરૂપ શુક્લાએ ગઈ કાલે અહીં ઉશ્કેરણીજનક વિધાનમાં જણાવ્યું હતું કે ‘ભગવાન રામ, કૃષ્ણ અને શિવ તો ભારતીય મુસ્લિમોના પૂર્વજો કહેવાય એટલે તેમણે ભારતની ભૂમિ અને સંસ્કૃતિને જ અનુસરવાં જોઈએ.’

શુક્લાએ પત્રકારો સમક્ષ એવું પણ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દેશમાં ઇસ્લામી રાષ્ટ્રનું સર્જન કરવાનો ઇરાદો રાખનારાઓની માનસિકતાને હિન્દુત્વ તથા ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને નિષ્ફળ બનાવી છે. વિશ્વના કેટલાક લોકો સિરિયા અને અફઘાનિસ્તાન પછી હવે આખા વિશ્વને ઇસ્લામી સ્ટેટ બનાવવા માગે છે. ભારતમાં પણ કેટલાકની આવી માનસિકતા છે. પરંતુ મોદી અને યોગીએ એ થવા નથી દીધું.’

તાજેતરમાં સમાજવાદી પાર્ટી (સપા)ના સંસદસભ્ય શૈફુર રહેમાન બર્કે તાજેતરમાં તાલિબાનને ટેકો જાહેર કર્યો હતો તેમ જ સપાએ ઇસ્લામી આતંકવાદીઓને સપોર્ટ કરતું નિવેદન આપ્યું હતું. શુક્લાએ એ સંદર્ભમાં પૂછાતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં સંભલ ખાતેના ગાઝીઓની તરફેણ કરતાં પોસ્ટરોનો બીજેપીએ તીવ્ર વિરોધ કર્યો હતો. તાજેતરમાં આ રાજ્યની મુલાકાત લેનાર એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીના પૂર્વજો હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માગતા હતા, પણ એમાં ફાવ્યા નહોતા. બાકી ઉત્તર પ્રદેશમાંથી ગાઝીઓનું નામોનિશાન કાઢી નાખવામાં આવ્યું છે.’

national news uttar pradesh