14 August, 2025 11:41 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગઈ કાલે વિધાનસભામાં ‘શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ બિલ 2025’ રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટમાં મંદિરની પરંપરાનું રક્ષણ કરવા, મૅનેજમેન્ટને મજબૂત બનાવવા અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણી જોગવાઈઓ સામેલ છે.
આ બિલ મુજબ ટ્રસ્ટને ૨૦ લાખ રૂપિયા સુધીના વ્યવહારો કરવાનો સ્વતંત્ર અધિકાર રહેશે અને આ રકમથી વધુના વ્યવહારો માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી રહેશે. બિલમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.
ટ્રસ્ટનો મંદિરના પ્રસાદ, દાન અને તમામ જંગમ અને સ્થાવર મિલકતો પર અધિકાર રહેશે.
આ બિલમાં સરકાર દ્વારા નિયુક્ત ટ્રસ્ટીમંડળની રચના કરવાની જોગવાઈ છે, જેમાં ૧૧ નામાંકિત અને સાત પદાધિકારી સભ્યોનો સમાવેશ થશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ર ૨૪ કલાક નૉન-સ્ટૉપ
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ર ૨૪ કલાક એટલે કે બુધવાર સવારે ૧૧.૩૦ વાગ્યાથી આજે સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી નૉન-સ્ટૉપ ચાલવાનું છે. એમાં વિકસિત ભારત-વિકસિત ઉત્તર પ્રદેશ-2047 વિઝન ડૉક્યુમેન્ટ પર ખાસ ચર્ચા થશે. વિઝન ડૉક્યુમેન્ટ દ્વારા યોગી સરકાર રાજ્યના વિકાસ માટે પોતાનું વિઝન રજૂ કરશે. સરકાર વતી ૨૮ પ્રધાનો વિધાનસભામાં અને ૧૮ પ્રધાનો વિધાનસભા પરિષદમાં બોલશે