UP Elections 2022: CM યોગી ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે, ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

15 January, 2022 05:30 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

પાર્ટીએ આજે ​​પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ ગોરખપુરમાં છઠ્ઠા તબક્કામાં 3 માર્ચે ચૂંટણી યોજાવાની છે.

ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશના શાસક પક્ષ ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોરખપુર શહેરી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. પાર્ટીએ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સિરાથુ વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

પાર્ટીએ આજે ​​પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ ગોરખપુરમાં છઠ્ઠા તબક્કામાં 3 માર્ચે ચૂંટણી યોજાવાની છે. સિરાથુમાં પણ પાંચમા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. યાદીમાં ફરી પંકજ સિંહને નોઈડાથી નોમિનેટ કરવામાં આવ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના પુત્ર છે.

ભાજપે આ યાદીમાં કુલ 107 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 2017માં ભાજપે 83 બેઠકો જીતી હતી. આ 83માંથી 63 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 20 બેઠકો પર ચહેરા બદલાયા છે. ભાજપે તેમના પર નવા ચહેરા ઉતાર્યા છે.

તમને જણાવી દઈએ કે 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ, જ્યારે બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ અને ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ, પાંચમા તબક્કામાં 27 ફેબ્રુઆરીએ, છઠ્ઠા તબક્કામાં 3 માર્ચે અને સાતમા તબક્કામાં 7 માર્ચે મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.

national news uttar pradesh yogi adityanath