યુપીની ચૂંટણીમાં યુવા મતો માટે પાર્ટીઓની ભરપૂર કોશિશ

16 January, 2022 09:22 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

યુવાનોને મોટા વાયદા કરવામાં આવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં લગભગ તમામ પાર્ટી યુવાનોને ટાર્ગેટ કરી રહી છે. બીજેપી, સમાજવાદી પાર્ટી, કૉન્ગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત તમામ પાર્ટીઝ યુવાનોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે. યુવાનોને મોટા વાયદા કરવામાં આવી રહ્યા છે. તમામ પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં પણ યુવાનો માટે ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. 
ઉત્તર પ્રદેશ​ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં પહેલાં શાસક પાર્ટી બીજેપીએ લગભગ એક લાખ મોબાઇલ ફોન્સ અને ટૅબ્લેટ્સ યુવાનોમાં વહેંચ્યાં છે. બીજેપીએ એજ્યુકેશન સિસ્ટમ મજબૂત કરવાની વાત કહી છે અને યુવાનોને આ વિધાનસભાની ચૂંટણીમાં આગળ રાખવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીએ ગઈ ચૂંટણીમાં યુવાનોને બેરોજગારીનું ભથ્થું આપવાની વાત કહી હતી. આ વખતે લૅપટૉપ આપવાની વાત કહેવામાં આવી છે, ત્યાં સુધી કે સમાજવાદી પાર્ટી તરફથી યુવાનોમાં લૅપટૉપ પણ વહેંચવામાં આવ્યાં હતાં. એવામાં યુવાનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાર્ટીઝ પોતાના રાજકીય દાવ રમી રહી છે.
ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસ પણ આ મામલે પાછળ નથી. એણે પહેલાં તો ‘લડકી હું, લડ શકતી હું’નું સૂત્ર આપ્યું હતું અને જેના પછી યુથ ગર્લ્સને આકર્ષવા માટે પિન્ક સ્કૂટી મૅરથૉન કરાવી હતી. એટલું જ નહીં, કૉન્ગ્રેસે અનેક યુવાનોને પ્રવક્તા બનાવ્યા સાથે જ ડિજિટલી યુવાનોની સાથે કનેક્ટ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. 
આ ક્રમમાં બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો માયાવતીએ યુવાનોની સાથે સીધો સંવાદ કરવા માટે પોતાના ભત્રીજા આકાશ આનંદ, બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચન્દ્ર મિશ્રાના દીકરા કપિલ મિશ્રા સહિત અનેક નેતાઓને ઉતાર્યા છે. 

national news uttar pradesh assembly elections