સીઆરપીસી-આઇપીસીની બિનજરૂરી કલમોમાં બદલાવ થશે: અમિત શાહ

09 December, 2019 09:31 AM IST  |  Pune

સીઆરપીસી-આઇપીસીની બિનજરૂરી કલમોમાં બદલાવ થશે: અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઑલ ઇન્ડિયા પોલીસ યુનિવર્સિટી તેમ જ ઑલ ઇન્ડિયા ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપશે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન ધરાવતી કૉલેજો દરેક રાજ્યમાં હશે. પુણેમાં ૫૪મી ડીજી/આઇજી કૉન્ફરન્સને સંબોધતાં શાહે જણાવ્યું કે સરકાર ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી) અને ક્રિમિનલ પ્રોસિઝર કોડ (સીઆરપીસી)ની કેટલીક કલમોમાં પણ બદલાવ કરવા પ્રતિબદ્ધ છે જેથી કાયદાને વર્તમાન લોકશાહી વ્યવસ્થા અનુરૂપ બનાવી શકાય.
ચાલુ વર્ષે ડીજીપી/આઇજી પ્રેસ કૉન્ફરન્સ પુણેના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચમાં યોજાઈ રહી છે. ઉદ્ઘાટન સત્રને સંબોધતાં શાહે આ કૉન્ફરન્સને પોલીસ અધિકારીઓનો વૈચારિક કુંભ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ સ્થળે દેશના સૌથી મોટા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહીને દેશની સુરક્ષા માટે નીતિગત નિર્ણયો લેવામાં મદદ કરે છે.
ગૃહપ્રધાને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના અવૉર્ડ પણ એનાયત કર્યા હતા. આંદામાન-નિકોબારના એબરદીન સ્ટેશન હાઉસ, ગુજરાતના બાલાસિનોર અને મધ્ય પ્રદેશના એજેકે બુરાહનપુરને આ અવૉર્ડ એનાયત કરાયો હતો. કૉન્ફરન્સમાં પોલીસિંગ ઉપરાંત સરહદી સુરક્ષા, નશો, આતંકવાદ, ડિજિટલ પોલીસિંગ અને ફૉરેન્સિક ક્ષમતાઓના મુદ્દાઓ પર પણ વાતચીત થઈ હતી. આ કૉન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

gujarat madhya pradesh national news amit shah