ઉન્નાવ રેપપીડિતાને દફનાવાઈ:બહેનને સરકારી નોકરી અને ભાઈને હથિયારની છૂટ

09 December, 2019 08:52 AM IST  |  Unnao

ઉન્નાવ રેપપીડિતાને દફનાવાઈ:બહેનને સરકારી નોકરી અને ભાઈને હથિયારની છૂટ

ઉન્નાવ રેપ પીડિતાની અંતિમયાત્રા

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં રેપ બાદ જીવતી સળગાવવામાં આવેલી યુવતીના મૃતદેહને રવિવારે જ ગામમાં દફન કરવામાં આવ્યો. પીડિતાના પરિવારવાળાઓ શનિવાર સાંજે દિલ્હીથી મૃતદેહ આવ્યા બાદથી જ સીએમ યોગી આદિત્યનાથને બોલાવવાની માગણી કરી રહ્યા હતા. તંત્રએ ઘણા કલાકો સમજાવ્યા બાદ પરિવાર આખરે માન્યો અને પીડિતાને દફનાવવામાં આવી. આ દરમ્યાન ત્યાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ. સૌની બસ એ જ માગણી હતી કે દોષીઓને કડકમાં કડક સજા મળે. આ દરમ્યાન સરકારે જાહેરાત કરી કે પીડિતાની બહેનને સરકારી નોકરી અને ભાઈને હથિયાર લાઇસન્સ મળશે.
આ પહેલાં પીડિતાના પિતાએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાની દીકરીને હવે સળગાવશે નહીં, પરંતુ દફનાવશે. તેમણે કહ્યું કે ‘અમે અમારી દીકરીને દફનાવશું. હું હવે તેને વધારે સળગાવવા નથી માગતો. મારી વહાલી દીકરી પહેલાંથી જ સળગી ચૂકી છે. સઘન સુરક્ષા વચ્ચે રવિવારના પીડિતાને ગામ બહારના વિસ્તારમાં ખાલી પડેલી જમીનમાં દફનાવવામાં આવી.
આ દરમ્યાન લખનઉના પોલીસ કમિશ્નર મુકેશ મેશ્રામે જાહેરાત કરી કે પીડિતાની બહેનને નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પરિવારને ઘર આપવામાં આવશે. આ પહેલાં રાજ્ય સરકાર તરફથી પીડિતાના પરિવારને ૨૫ લાખ રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું. મેશ્રામે એ પણ કહ્યું કે દોષીઓની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
મેશ્રામે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે પીડિતાની બહેન અને પરિવારના અન્ય સભ્યોને ૨૪ કલાક સુરક્ષા આપવામાં આવશે. પીડિતાના ભાઈની માગણી પ્રમાણે આત્મરક્ષા માટે તેમને હથિયાર લાઇસન્સ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીડિતાની બહેને નોકરી આપવાની માગણી કરી હતી. સરકારે તેમની માગણી માની લીધી છે. ગામમાં તણાવને જોતાં અંતિમ સંસ્કારમાં ભારે સંખ્યામાં પોલીસ અને પીએસીને તહેનાત કરવામાં આવ્યા હતા.

uttar pradesh yogi adityanath