03 February, 2025 09:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ (તસવીર: એજન્સી)
સોમવારે લોકસભામાં જોરદાર રાજકીય જંગ જોવા મળી હતી. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે જોરદાર ચર્ચા થઈ, જેના કેન્દ્રમાં કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હતા. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કરતા કહ્યું કે શું તેઓ અંધ છે? રિજિજુએ રાહુલ ગાંધીના એ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો જેમાં તેમણે એસસી, એસટી અને ઓબીસીના મુદ્દા ઉઠાવ્યા હતા.
રિજિજુએ કહ્યું, "રાહુલ ગાંધી છેલ્લા 2-3 વર્ષથી આ કાસ્ટ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ શું તેઓ દેશના વડા પ્રધાનને જોતા નથી? વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા OBC ચહેરા અને સૌથી લોકપ્રિય નેતા છે. શું રાહુલ ગાંધી આ નથી જોતા? તેમણે વધુમાં કહ્યું કે તેઓ પોતે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અને દેશના સંસદીય કાર્ય મંત્રી તરીકે કામ કરે છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ દલિત છે.
એવો સવાલ ઉઠાવતા રિજિજુએ કહ્યું, "શું કૉંગ્રેસે ક્યારેય કોઈ આદિવાસી કે દલિતને દેશના કાયદા મંત્રી બનાવ્યા છે? શું કૉંગ્રેસે ક્યારેય કોઈ OBCને વડા પ્રધાન બનાવ્યા છે?" રિજિજુએ કટાક્ષ કરતાં કહ્યું, "મને લાગે છે કે રાહુલ ગાંધી પોતે પણ નથી જાણતા કે તેઓ શું બોલે છે!"
રાહુલ ગાંધીના નિવેદન પર રિજિજુ કેમ ગુસ્સે થયા?
વાસ્તવમાં બજેટ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ જાતિ ગણતરીની મગ ઉઠાવી હતી અને દેશની મોટી કંપનીઓમાં દલિત-ઓબીસી માલિકોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "દેશની 50 ટકા વસ્તી SC, ST અને OBCની છે, પરંતુ તેમની પાસે સત્તા નથી કારણ કે તેઓ પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી. ભાજપમાં OBC, દલિત અને આદિવાસી સાંસદો છે, પરંતુ તેઓ બોલી શકતા નથી." રાહુલ ગાંધીએ એટલું કહ્યું કે કિરેન રિજિજુ ગુસ્સે થઈ ગયા.
મહારાષ્ટ્રનો મુદ્દો પણ સામે આવ્યો
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં અચાનક 70 લાખ નવા મતો ઉમેરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “પાંચ મહિનામાં એટલા નવા મતદારો ઉમેરાયા છે જેટલા પાંચ વર્ષમાં પણ ઉમેરાયા નથી. અમે એક બિલ્ડિંગમાં 7000 મત ઉમેરાતા જોયા છે. ચૂંટણી પંચ પાસે અનેક વખત મતદાર યાદી માગવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. "રસપ્રદ વાત એ છે કે નવા મતદારો મોટાભાગે એ જ બેઠકો પર જોડાયા છે જ્યાં ભાજપ જીત્યું છે." આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ પણ પ્રયાગરાજ કુંભની વ્યવસ્થાને લઈને હંગામો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઘણી વખત ગૃહને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદોને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પ્રશ્નોત્તરીના સમયને વિક્ષેપિત ન કરવા અને તેમના વિચારો રજૂ કરવાની અપીલ કરી. પરંતુ વિપક્ષ પોતાની માગ પર અડગ રહ્યો અને ગૃહમાં વાતાવરણ ગરમાયું.