કેન્દ્રીય પ્રધાને નિયમો તોડવાની ના પાડનારા અધિકારીઓને માર માર્યો

23 January, 2022 09:22 AM IST  |  Mayurbhanj | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાન બિશ્વેશ્વર ટુડુએ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં પાર્ટી ઑફિસ ખાતે ઓડિશા સરકારના બે અધિકારીઓને માર માર્યો હોવાના આક્ષેપો થયા છે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય પ્રધાન બિશ્વેશ્વર ટુડુએ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં પાર્ટી ઑફિસ ખાતે ઓડિશા સરકારના બે અધિકારીઓને માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર અશ્વિની મલિક અને અસિસ્ટન્ટ ડિરેક્ટર દેબાશિષ મોહપાત્રાને ઈજા થઈ છે. 
ઇન્ડિયન પીનલ કોડની ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૨૯૪ અને ૫૦૬ કલમ હેઠળ આ કેન્દ્રીય પ્રધાન વિરુદ્ધ બારિપદા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
બન્ને પીડિત અધિકારીઓનું કહેવું છે કે એક રિવ્યુ મીટિંગ દરમ્યાન પ્રધાન ખૂબ જ ઉગ્ર થઈ ગયા હતા અને તેમણે અંદરથી દરવાજો બંધ કરીને બન્ને અધિકારીઓ પર ખુરશીથી હુમલો કર્યો હતો. દેબાશિષે કહ્યું હતું કે ‘પ્રધાન પહેલાં અમારા પર ખૂબ ગુસ્સે થયા હતા. અમે તેમને સમજાવવાની કોશિશ કરી કે જો ચૂંટણીની આચારસંહિતાના સમયે ફાઇલોની સાથે તેમની ઑફિસમાં જઈએ તો એ અયોગ્ય હશે. પંચાયતોની ચૂંટણીના કારણે રાજ્યમાં આચારસંહિતા લાગુ છે. જોકે તેઓ નારાજ થઈ ગયા અને અમને મારવાનું શરૂ કરી દીધું હતું.’

national news odisha