કેબિનેટે વિદ્યાર્થીઓ માટે 'એક દેશ એક પરીક્ષા'ની જાહેરાત કરી

19 August, 2020 05:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટે વિદ્યાર્થીઓ માટે 'એક દેશ એક પરીક્ષા'ની જાહેરાત કરી

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર (તસવીર સૌજન્ય: એએનઆઈ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે એટલે કે 19 ઓગસ્ટે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, દેશના એરપોર્ટનું ખાનગીકરણ કરવા બાબતની જાહેરાત અને હવે દેશના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે વિદ્યાર્થીઓ માટે 'એક દેશ એક પરીક્ષા'ની જાહેરાત કરી છે. નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)ને આધીન પદો માટે CET(કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, આજે નોકરી માટે યુવાનોને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) લેશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનુ મેરિટ લિસ્ટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. તેનાથી યુવાઓને લાભ થશે. દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ બધુ સમાપ્ત કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. યુવાઓની આ માંગ વર્ષોથી હતી. જોકે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે. તેમજ આના દ્વારા ભરતી પ્રક્રિયા સરળ બનશે.

રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપતા આ અંતર્ગત વર્ષમાં બે વાર ટેસ્ટ લેવામાં આવશે અને 1,000 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવશે. ઉંમરમાં છૂટછાટ મળશે નહીં. ફી છૂટ સમાન રહેશે. આ અંતર્ગત પરીક્ષાઓ 12 ભાષાઓમાં થશે. રાષ્ટ્રીય ભરતી એજન્સીનું મુખ્ય મથક દિલ્હી હશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી પૈસાની બચત પણ કરશે, તેઓને વધારે આમ-તેમ દોડવું નહીં પડે.

national news india prakash javadekar narendra modi