Union Budget 2023 - આ બજેટ સમાજના દરેક વર્ગને લાભ કરાવશે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

01 February, 2023 03:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજુ કર્યું બજેટ

ફાઇલ તસવીર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે એટલે કે બુધવારે સામાન્ય બજેટ ૨૦૨૩ (Union Budget 2023) રજૂ કર્યું છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બજેટને સમાજના દરેક વર્ગને લાભ કરાવતું ગણાવ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, ‘આ બજેટથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે. સૌથી મોટી અન્ન સંગ્રહ યોજના બનાવવામાં આવી છે. આ બજેટ ગ્રામીણ વિકાસનું સૂત્ર છે. હવે કૃષિ ક્ષેત્રમાં પણ ડિજિટલ પેમેન્ટ જોવા મળશે. અમે ટેકનોલોજી અને નવા ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનાથી મોટા ભાગની વસ્તીને રોજગારી મળશે. આ બજેટ ટકાઉ ભવિષ્ય માટે છે. આ બજેટ જીવનની સરળતાને પ્રોત્સાહન આપશે.’

તેમણે કહ્યું કે, ‘અમૃત કાલના પ્રથમ બજેટે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો આધાર પૂરો પાડ્યો છે. બજેટ આકાંક્ષાઓથી ભરપૂર સમાજ, ખેડૂતો અને મધ્યમ વર્ગના સપનાને સાકાર કરશે. બજેટમાં વંચિત વર્ગને પ્રાથમિકતા આપવામાં આવી છે. આજે જ્યારે બાજરી આખી દુનિયામાં લોકપ્રિય બની રહી છે ત્યારે સૌથી વધુ ફાયદો ભારતના નાના ખેડૂતોના નસીબમાં છે. હવે આ `સુપર ફૂડ`ને `શ્રી અન્ન`ના નામથી નવી ઓળખ આપવામાં આવી છે. `શ્રી અન્ન`થી આપણા નાના ખેડૂતો અને ખેતી કરતા આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક મજબૂતી મળશે.’

આ પણ વાંચો - Union Budget 2023 : મધ્યમ વર્ગની પરિસ્થિતિનો ચિતાર આપતાં મિમ્સ વાયરલ

તેમણે એમ પણ કહ્યું કે, ‘આ બજેટમાં મહિલાઓ માટે ખાસ બચત યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર બનાવશે. નવી પ્રાથમિક સહકારી સંસ્થાઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ગામડાંઓથી માંડીને શહેરો સુધી રહેતી આપણી મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે. હવે તેમને વધુ મજબૂતી સાથે આગળ વધારવામાં આવશે. આ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. હું નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને આ ઐતિહાસિક બજેટ માટે અભિનંદન આપું છું.’

આ પણ વાંચો - નાણામંત્રીના ભાષણમાં સામેલ આ શબ્દોનો અર્થ સમજાયો એટલે બજેટ સમજાયું

વડાપ્રધાને નાણા પ્રધાન નિર્મલા સીતારમણના ખુબ વખાણ કર્યા હતા.

national news union budget finance ministry narendra modi nirmala sitharaman