પંજાબમાં મળેલો કોરોના-વેરિઅન્ટ ખતરારૂપ

04 April, 2021 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જ્યારે મહારાષ્ટ્રમાં મળેલો ડબલ મ્યુટન્ટ ચિંતાજનક હોવા છતાં એનાથી ડરવાની જરૂર ન હોવાનો એક્સપર્ટનો મત

પ્રતીકાત્મક તસવીર

કોરાના વાઇરસના નવા પ્રકારમાં પંજાબમાં મળેલો યુકે વરિઅન્ટ ખતરારૂપ છે, કારણ કે એ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્રમાં મળેલો ડબલ મ્યુટન્ટ ચિંતાજનક હોવા છતાં એનાથી ડરી જવાની જરૂર નહીં હોવાનું કાઉન્સિલ ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ - સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયોલૉજી (સીએસઆઇઆર-સીસીએમબી)ના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું. પંજાબમાં કોરોના-ઇન્ફેક્શનના દરદીઓમાં વધારા માટે બ્રિટિશ વેરિઅન્ટ નિશ્ચિત રૂપે કારણભૂત હોવાનો અભિપ્રાય મિશ્રાએ વ્યક્ત કર્યો હતો.

રાકેશ મિશ્રાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘બ્રિટનથી આવેલી વ્યક્તિ કે સમૂહે પંજાબમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હોય તો એને કારણે પૉઝિટિવ કેસની સંખ્યા વધી હોવાની સંભાવના છે. પંજાબનાં પાડોશી રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં બ્રિટિશ વેરિઅન્ટ ઓછા પ્રમાણમાં મળ્યો છે.

બ્રિટિશ વેરિઅન્ટનું ઇન્ફેક્શન ધરાવતા પ્રવાસીઓ પંજાબ સિવાયનાં રાજ્યોમાં ન ગયા હોય એવું બની શકે. જોકે એ વેરિઅન્ટની અસર મોડેથી જોવા મળે એવું બની શકે. નિશ્ચિત રૂપે એની અસર જોવા થોડી રાહ જોવી પડે. કૅલિફૉર્નિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં મળેલા વેરિઅન્ટ્સ મહારાષ્ટ્રના ડબલ મ્યુટન્ટ વાઇરસમાં ઉપસ્થિત છે. કૅલિફૉર્નિયામાં ઝડપથી વાઇરસના પ્રસાર માટે એ ચોક્કસ પ્રકારનો વેરિઅન્ટ કારણભૂત છે. જોકે બ્રાઝિલ અને સાઉથ આ​ફ્રિકાના વેરિઅન્ટ્સ પર જૉન્સન ઍન્ડ જૉન્સન તથા ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિનની અસર નહીંવત્ પ્રમાણમાં થતી હોવાનું પણ નોંધાયું છે.’

national news punjab