કન્હૈયાલાલના હત્યારાએ 2611 બાઇક નંબર માટે પાંચ હજાર એક્સ્ટ્રા ચૂકવ્યા

02 July, 2022 09:07 AM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

પોલીસ આ બાઇક-નંબરને મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા સાથે જોડી રહી છે

કન્હૈયાલાલના હત્યારાઓ

ઉદયપુરમાં કન્હૈયાલાલના હત્યારાઓનાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથો સાથેના સંબંધોનો રાજસ્થાન પોલીસે ખુલાસો કર્યાના દિવસો બાદ પોલીસ-અધિકારીઓએ ગઈ કાલે આ કેસમાં વધુ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. રિયાઝ અખ્તરી નામના એક હત્યારાએ તેની બાઇક માટે 2611 રજિસ્ટ્રેશન-નંબર માટે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવ્યા હતા. પોલીસ આ બાઇક-નંબરને મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા સાથે જોડી રહી છે.

ટેલર કન્હૈયાલાલની ક્રૂરતાપૂર્ણ રીતે હત્યા કર્યા બાદ બે હત્યારાઓ રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમ્મદે ભાગી જવા માટે આ જ વેહિકલનો ઉપયોગ કર્યો હતો. RJ 27 AS 2611 રજિસ્ટ્રેશન-નંબરની બાઇક હવે ઉદયપુરના ધાન મંડી પોલીસ સ્ટેશનમાં છે.

પોલીસ અધિકારીઓ માને છે કે આ નંબરપ્લેટ ક્લુ હોઈ શકે છે કે વર્ષો પહેલાં પણ રિયાઝના માઇન્ડમાં શું ચાલતું હતું. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના રેકૉર્ડ્સ પરથી ખ્યાલ આવે છે કે રિયાઝ અખ્તરીએ ૨૦૧૩માં એચડીએફસી બૅન્ક પાસેથી લોન પર આ બાઇક ખરીદી હતી. 

jaipur rajasthan 26/11 attacks