બ્લિન્કિટથી મગાવેલી બટન નાઇફથી થયાં બે મર્ડર

19 February, 2026 09:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી પોલીસે ઑનલાઇન પ્લૅટફૉર્મ સામે FIR નોંધ્યો

પ્રતીકાત્મક તસવીર

સચ્ચાઈ જાણવા પોલીસે જાતે ગ્રાહક બનીને એ જ ચાકુ મગાવ્યું અને પછી માપ્યું તો એ નિયત મર્યાદા કરતાં મોટું નીકળતાં ડાર્ક સ્ટોર્સ પર છાપો મારીને આવાં પંચાવન ચાકુ જપ્ત કર્યાં

દિલ્હીમાં થયેલી બે હત્યાની ગુત્થી સુલઝાવતી વખતે તપાસ દરમ્યાન એક ચોંકાવનારી વિગત પોલીસને જાણવા મળી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે તેમણે હત્યા માટે વાપરેલું ચાકુ ઑનલાઇન પ્લૅટફૉર્મ બ્લિન્કિટ પરથી ખરીદ્યું હતું. એ પછી દિલ્હી પોલીસે બ્લિન્કિટની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. એનું કારણ એ હતું કે સરકારી નિયમો અનુસાર ઑનલાઇન માધ્યમ પર માત્ર એવાં જ ચાકુ વેચી શકાય છે જેમની બ્લેડની લંબાઈ વધુમાં વધુ ૭.૬૨ સેન્ટિમીટર અને વધુમાં વધુ પહોળાઈ ૧.૭૨ સેન્ટિમીટર હોય. જોકે પોલીસને હત્યામાં વપરાયેલું જે હથિયાર મળ્યું હતું એની લંબાઈ ૮ સેન્ટિમીટર અને પહોળાઈ ૨.૫ સેન્ટિમીટર હતી. મતલબ કે કાનૂની મર્યાદા કરતાં એ મોટું ચપ્પુ હતું જે આર્મ્સ ઍક્ટ અંતર્ગત ગુનાની શ્રેણીમાં આવે છે. 

એ પછી દિલ્હી પોલીસે આરોપીઓનો દાવો ખરેખર સાચો છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે બ્લિન્કિટ પરથી એવી જ બટન નાઇફ ઑર્ડર કરી હતી જે હત્યામાં વપરાઈ હતી. એની કિંમત ૬૯૯ રૂપિયા હતી. આ ચપ્પુ પણ ૧૦ મિનિટમાં પોલીસને ડિલિવર થઈ ગયું હતું. એની લંબાઈ કાયદાકીય મર્યાદાની બહાર હોવાનું પાક્કું થઈ જતાં દિલ્હી પોલીસે બ્લિન્કિટના ડાર્ક સ્ટોર્સ પર છાપામારી કરીને પંચાવન બટન નાઇફ જપ્ત કર્યાં હતાં. 

આ કેસ માત્ર એક જ ઑનલાઇન પ્લૅટફૉર્મ સુધી સીમિત નથી. સવાલ એ છે કે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વેચાતી પ્રોડક્ટ્સ સરકારી નિયમો મુજબ છે કે કેમ એની નિગરાની કઈ રીતે રાખવી?

national news india delhi news new delhi murder case Crime News