કાશ્મીરમાં વધુ બે પરપ્રાંતીયની હત્યા

18 October, 2021 09:29 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

૨૪ કલાકમાં આતંકવાદીઓએ કર્યો ત્રીજો હુમલો, તમામ પરપ્રાંતીયોને સિક્યૉરિટી કૅમ્પસમાં રાખવાનો પોલીસને આદેશ

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં આંતકવાદીઓએ રવિવારે વધુ બે પરપ્રાંતીય વ્યક્તિઓની હત્યા કરી છે અને એક વ્યક્તિને ઘાયલ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આંતકવાદીઓ દ્વારા સ્થાનિક લોકો પર હુમલા થઈ રહ્યા છે. આ ઘટના બાદ તમામ પરપ્રાંતીય મજૂરોને સિક્યૉરિટી કૅમ્પસમાં રાખવાનો પોલીસને આદેશ અપાયો છે.

કાશ્મીર ઝોનના પોલીસ વિભાગ દ્વારા ટ્વિર પર આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને કૉર્ડન કર્યો છે. પોલીસે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે આંતકવાદીઓએ મજૂરોના ભાડૂતી મકાનમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો.

૨૪ કલાકમાં આ પરપ્રાંતીયો પર ત્રીજો હુમલો છે. બિહારના એક ફેરિયા પર અને ઉત્તર પ્રદેશના એક સુથાર પર શનિવારે હુમલો થયો હતો, જેમાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. બીજેપીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાને અમાનવીય ગણાવી હતી. દરમ્યાન કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે તમામ ડિસ્ટ્રિક્ટ ચીફને પરપ્રાંતીય મજૂરોને ભેગા કરીને નજીકના સિક્યૉરિટી કૅમ્પસમાં તરત લઈ જવાનો આદેશ આપ્યો છે.

“નિર્દોષ નાગરિકોનાં લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે. આતંકવાદીઓ તેમ જ તેમના સાથીઓને શોધીને કડક સજા કરવામાં આવશે.” : મનોજ સિંહા, ગવર્નર, જમ્મુ-કાશ્મીર

national news srinagar jammu and kashmir kashmir