ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ૩૪ સેકન્ડમાં ધરાલી ગામ ધરાશાયી

06 August, 2025 11:30 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ચોમેર વિનાશઃ સંખ્યાબંધ ઘરો અને હોટેલો કાટમાળ નીચે દટાયાં : ૪નાં મૃત્યુ અને પચાસથી વધારે લોકો ગુમ, આર્મીના દસેક જવાનો પણ મિસિંગ : ગંગોત્રીધામથી ધરાલી માત્ર ૧૮ કિલોમીટર દૂર : પાણી અને કાદવના તોફાને ગામમાં તબાહી લાવી દીધીઃ સુખી ટૉપમાં પણ વાદળ ફાટ્યું

પહાડમાંથી નીકળતી ખીર ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ધરાલી ગામનાં ઘરો, બજાર અને હોટેલો ઘડીના છઠ્ઠા ભાગમાં હતાં ન હતાં થઈ ગયાં હતાં.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામમાં ગઈ કાલે બપોરે વાદળ ફાટવાની ઘટનાથી ઓછામાં ઓછા ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પચાસથી વધારે લોકો ગુમ થયા હોવાની આશંકા છે.  એક આર્મી-કૅમ્પના ઓછામાં ઓછા ૧૦ જવાનો પણ મિસિંગ છે. સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં દેખાય છે કે પાણી અને કાદવના તોફાને આશરે ૩૪ સેકન્ડમાં ગામમાં તબાહી બોલાવી દીધી હતી. ઘણાં ઘરો પાણીના પ્રવાહમાં તૂટીને તણાઈ ગયાં હતાં. વાદળ ફાટવાની ઘટના ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં થઈ હતી જેના કારણે વિનાશક પૂર આવ્યું હતું.

બજાર, ઘર અને હોટેલ તણાયાં

પહાડો પરથી ખીર ગંગા નદીમાં વહેતા કાટમાળથી ધરાલીના બજાર, ઘરો અને હોટેલો તણાઈ ગયાં હતાં. માત્ર ૩૪ સેકન્ડમાં બધું જ નાશ પામ્યું હતું. વિડિયોમાં લોકો પોતાનો જીવ બચાવતા જોવા મળ્યા હતા. ગામમાં ૩૦ ફુટ સુધી કાટમાળ જમા થયો હતો,

ગંગોત્રીથી ૧૮ કિમી દૂર

ગંગોત્રીધામથી ૧૮ કિલોમીટર દૂર આવેલું ધરાલી ગામ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક નાનું ડુંગરાળ ગામ છે. આ ગામ ભાગીરથી નદીના કિનારે હર્ષિલ ખીણની નજીક આવેલું છે. આ ગામ ગંગોત્રી યાત્રા પર એક મુખ્ય સ્ટૉપ છે. ગંગોત્રીધામ પહેલાં આ છેલ્લું મોટું ગામ છે, જ્યાંથી લોકો આગળના મુશ્કેલ ચઢાણ માટે રોકાય છે. યાત્રાળુઓને અહીં રહેવા અને ભોજનની સુવિધા મળે છે. એ દેહરાદૂનથી ૨૧૮ કિલોમીટર દૂર છે.

પચાસથી વધુ લોકો ગુમ

નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના DIG મોહસેન શહેદીએ જણાવ્યું હતું કે ‘ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી લગભગ ૪૦થી ૫૦ ઘરો ધોવાઈ ગયાં છે અને ૫૦થી વધુ લોકો ગુમ છે. આ ઘટના બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. NDRFની ત્રણ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. દરેક ટીમમાં ૩૫ સભ્યો છે. ત્યાં મોટા પાયે બચાવ-કામગીરી હાથ ધરવી પડશે.

ITBP ૩૭ ગ્રામજનોને બચાવ્યા

ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)એ અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને બાવીસ પુરુષો, ૧૧ મહિલાઓ અને ૪ બાળકો સહિત ૩૭ ગ્રામજનોને બચાવ્યા હતા અને સુરક્ષિત રીતે ખસેડ્યા હતા. તમામ ગ્રામજનોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

કાદવવાળું પાણી વહીને આવતાં અનેક ઘરો દટાઈ ગયાં હતાં. 

હેલિપૅડમાં પાણી ભરાયાં

ખીર ગંગામાં પૂરને કારણે હર્ષિલ હેલિપૅડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. ઉત્તરકાશીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય હોઈ શકે છે.

વડા પ્રધાન અને ગૃહપ્રધાને વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાતચીત કરી હતી અને બચાવ-કામગીરીમાં કેન્દ્રના સહયોગની ખાતરી આપી હતી. બચાવ-કામગીરી માટે NDRF અને ITBPની ટીમો તહેનાત કરવામાં આવી છે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

નજીકમાં જ આવેલો આર્મી કૅમ્પ અને કૅફે તહસનહસ થઈ ગયાં હતાં. 

૨૦૧૩ના કરતાં પણ ભયાનક દુર્ઘટના

તેહરી ગઢવાલનાં સંસદસભ્ય માલા રાજ્યલક્ષ્મી શાહે જણાવ્યું હતું કે ‘૨૦૧૩માં વાદળ ફાટવાની દુર્ઘટના કરતાં પણ આ મોટી ઘટના છે. કેન્દ્ર અને રાજ્ય તરફથી મદદ મોકલવામાં આવી રહી છે. બચાવટીમો પણ રસ્તા પર છે, પરંતુ કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હોવાથી સમય લાગી રહ્યો છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.’

સુખી ટૉપ પર વાદળ ફાટવાનો અહેવાલ

ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાના થોડા કલાકો પછી ઉત્તરકાશીના અન્ય પર્યટન-સ્થળ સુખી ટૉપ પરથી વાદળ ફાટવાની માહિતી મળી હતી. જોકે આ ઘટનાસ્થળે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાદળ ફાટવાને કારણે નદીમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું.

રસ્તા બંધ કરાયા

ધારચુલા-ગુંજી રૂટ પર માલઘાટ વિસ્તારના ગાસ્કુના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં NDRF દ્વારા પથ્થરો પડતાં ફસાયેલા મુસાફરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે વિનંતી કરી છે કે જ્યાં સુધી એ સાફ ન થાય ત્યાં સુધી આ રૂટ પર મુસાફરી કરશો નહીં.

વરસાદને કારણે બચાવમાં મુશ્કેલી

SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે, પણ સતત વરસાદ પડી રહ્યો હોવાથી બચાવ-કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પૂરના પાણી સાથે મોટી માત્રામાં કાટમાળ આવ્યો છે. હાલમાં હવામાન સૌથી મોટો પડકાર છે. સતત વરસાદ પડી રહ્યો છે. રાત્રે ખૂબ જ ઠંડી પડે છે. આને કારણે બચાવકાર્ય પડકારજનક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ધરાલી દુર્ઘટના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મેં મુખ્ય પ્રધાન પુષ્કર ધામીજી સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાહત અને બચાવટીમો રાજ્ય સરકારની દેખરેખ હેઠળ શક્ય એટલા પ્રયાસો કરી રહી છે.’

શિયાળામાં ગંગોત્રીધામની મૂર્તિ ગામમાં રહે છે

ધરાલી ગામ સમુદ્રની સપાટીથી લગભગ ૨૭૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે અને હિમાલયના ખોળામાં આવેલું હોવાથી પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે એક આકર્ષક સ્થળ છે. ધરાલીને મા ગંગાની માતૃભૂમિ (મુખ્બા) તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શિયાળામાં જ્યારે ગંગોત્રી મંદિર બંધ હોય છે ત્યારે મા ગંગાની મૂર્તિને ધરાલી નજીક આવેલા મુખ્બા ગામમાં લાવવામાં આવે છે.

uttarakhand national news news ganga indian army monsoon news Weather Update narendra modi