જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવ્યા પછી 88 આતંકવાદી હુમલા થયા : રાજનાથ

04 December, 2019 12:14 PM IST  |  New Delhi

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવ્યા પછી 88 આતંકવાદી હુમલા થયા : રાજનાથ

રાજનાથ સિંહ (PC : Jagran)

(જી.એન.એસ.) ગૃહમંત્રાલય તરફથી લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ આ વર્ષે બીજી ડિસેમ્બર સુધી 587 આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે, જેની ગયા વર્ષે સંખ્યા 329 હતી. જમ્મુ-કાશ્મીરમાં પાંચમી ઑગસ્ટે આર્ટિકલ-૩૭૦ના મોટા ભાગના નિયમોને નાબૂદ કર્યા. એ પછી સંસદમાં જમ્મુ અને કાશ્મીરમાં આંતકવાદી હુમલા વિશે જાણકારી પૂછતાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ આંકડા રજૂ કર્યા હતા. રેડ્ડીએ સંસદમાં જણાવ્યું કે પાંચમી ઑગસ્ટ 2019 થી 27 નવેમ્બર 2019 સુધી 115 દિવસમાં 88 આતંકવાદી હિંસાની ઘટના રેકૉર્ડ થઈ છે.

જ્યારે 12 એપ્રિલથી 4 ઑગસ્ટ સુધી આવી 116 ઘટના રેકૉર્ડ થઈ છે. ગૃહમંત્રાલય તરફથી લોકસભામાં રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ મુજબ બીજી ડિસેમ્બર સુધી 587 આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે, જ્યારે ગયા વર્ષે આ હુમલાની સંખ્યા 329 હતી અને 2017 માં કુલ આંકડા 342 અને 2016 માં 322 આતંકવાદી હુમલા થયા છે. સંસદમાં આપવામાં આવેલા લેખિત રિપોર્ટ મુજબ કાશ્મીરમાં આ વર્ષે થયેલા આતંકવાદી હુમલામાં 86 જવાન શહીદ થયા છે, જ્યારે આ અવધિમાં ગયા વર્ષે 74 જવાન શહીદ થયા હતા. ગૃહમંત્રાલયના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ આ વર્ષે બીજી ડિસેમ્બર સુધી 157 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે આ કાર્યવાહીમાં 37 સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ગૃહમંત્રાલયે કહ્યું કે આ વર્ષે ઑક્ટોબરના આંકડા મુજબ આતંકવાદીઓએ 84 વાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 28 વાર એ અસફળ રહ્યા હતા. આર્ટિકલ 370 હટાવ્યા પછી પહેલી વાર 53 વાર ઘૂસણખોરીના પ્રયાસ થયા છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં અનેક રીતના પ્રતિબંધ આવ્યા હતા. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી હતી અને લાંબા સમય સુધી ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. વધુમાં રાજ્યના મોટા રાજનેતાઓને પણ નજરબંધ કરવામાં આવ્યા હતા.

national news rajnath singh jammu and kashmir