આજનો યુવાન વ્યવસ્થાનું પાલન કરવામાં માને છે, નવી પેઢી અનેક આશા રાખે છે

30 December, 2019 03:18 PM IST  |  New Delhi

આજનો યુવાન વ્યવસ્થાનું પાલન કરવામાં માને છે, નવી પેઢી અનેક આશા રાખે છે

PM નરેન્દ્ર મોદીની મન કી બાત

(જી.એન.એસ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જણાવ્યું કે દેશનો યુવા વર્ગ અરાજકતાને પસંદ નથી કરતો. તેમણે જણાવ્યું કે આ રીતે અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે દેશના યુવાનોના મનમાં દાઝ છે. ગત દિવસોમાં દેશમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલા હિંસક પ્રદર્શનને અને વિદ્યાર્થીઓ મોટાપાયે બહાર આવ્યા બાદ વડા પ્રધાને કરેલું આ સંબોધન તે બાબતે સાંપ્રત રહ્યું હતું.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે ‘આગામી દિવસોમાં નવા વર્ષનો પ્રારંભ થશે. એક નવો દાયકો શરૂ થશે અને જેમનો જન્મ ૨૧મી સદીમાં થયો છે તેવા લોકો દેશને વેગ આપવામાં સક્રિય ભૂમિકા ભજવશે. આ લોકો સદીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમજીને મોટા થયા છે. આવા યુવાનોને આજે અનેક રીતે ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેમને મિલેનિયલ કહે છે તો કેટલાક લોકો જનરેશન ઝેડ અથવા જેન ઝેડ તરીકે પણ ઓળખે છે. એક વાત લોકોના મગજમાં બેસી ગઈ છે કે આ સોશ્યલ મીડિયા જનરેશન છે. આ લોકો કંઈક અલગ કરવાના સપના જુએ છે.’

વડા પ્રધાને પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે ‘આ પેઢી પોતાના વિચારો ધરાવે છે. સૌથી ખુશીની બાબત એ છે કે આજના યુવાનો સિસ્ટમને પસંદ કરે છે. તેઓ સિસ્ટમનું પાલન કરવાનું પસંદ કરે છે, પરંતુ જો સિસ્ટમ બરોબર ન હોય અથવા રિસ્પૉન્ડ ન કરે તો તેઓ વ્યાકુળ પણ થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમ વિરુદ્ધ સવાલો કરે છે. હું આને ઘણું સારું ગણું છું. એક વાત નક્કી છે કે દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે તેમને દાઝ છે. આજની પેઢી પરિવારવાદ, જ્ઞાતિવાદ, પોતાના-પરાયા, સ્ત્રી-પુરુષ જેવા ભેદભાવોને પણ પસંદ નથી કરતા.’

narendra modi mann ki baat national news