‘ટીકા ઉત્સવ’ એટલે કોરોના સામેના બીજા જંગની શરૂઆત : મોદી

12 April, 2021 12:12 PM IST  |  New Delhi | Agency

લોકોને ચાર બાબતો માનવા માટે કરી અપીલ

‘ટીકા ઉત્સવ’નો પ્રારંભ કરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.

કોરોના રોગચાળાના સેકન્ડ વેવને નિયં​ત્રિત કરવાના ઉદ્દેશથી વૅક્સિનેશન ડ્રાઇવને વેગ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચાર દિવસના ‘ટીકા ઉત્સવ’ની જાહેરાત કરી હતી. વડા પ્રધાને ‘ટીકા ઉત્સવ’ને કોરોના સામેની બીજી લડાઈ ગણાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ટીકા ઉત્સવ’ને સમર્થન આપતાં મણિપુર, કર્ણાટક, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરલા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને તામિલનાડુમાં રસીકરણની કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો હતો. આ ‘ટીકા ઉત્સવ’ રવિવાર, ૧૧ એપ્રિલે મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જયંતીથી બુધવાર ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી સુધી યોજવામાં આવ્યો છે.  

બૅન્ગલોરની હૉસ્પિટલમાં રસી મૂકવા માટે તૈયાર નર્સ.  પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું વેક્સિન ફેસ્ટિવલની વધુ વાત કરતા હતું કે ‘અમે આજથી ‘ટીકા ઉત્સવ’ને રાષ્ટ્રવ્યાપી બનાવવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ તબક્કે હું દેશના નાગરિકોને ચાર બાબતો અપનાવવાનો અનુરોધ કરું છું. જેમને રસી લેવામાં મદદની જરૂર હોય તેમને મદદ કરો, કોરોના ઇન્ફેક્શનની સારવારની જરૂર હોય તેમને સારવારમાં મદદ કરો, માસ્ક પહેરો અને અન્યોને માસ્ક પહેરવા પ્રેરિત કરો, કોઈનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવે તો એ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવો.’

national news coronavirus covid19