નિર્ભયા રેપકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા તિહાર જેલ પાસે જલ્લાદ નથી

04 December, 2019 01:09 PM IST  |  New Delhi

નિર્ભયા રેપકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા તિહાર જેલ પાસે જલ્લાદ નથી

તિહાર જેલ (PC : Jagran)

(જી.એન.એસ.) દિલ્હીમાં ચાલતી બસની અંદર મેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે ગૅન્ગરેપની ઘટનાએ ૨૦૧૨માં આખા દેશને હચમચાવી દીધો હતો. આ વિદ્યાર્થિનીનું આરોપીઓએ આચરેલી ક્રૂરતાના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતુ. એ પછી ચાર આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી. રેપનો ભોગ બનેલી નિર્ભયાને ન્યાય અપાવવા માટે આખો દેશ રસ્તા પર ઊતર્યો હતો.

જોકે આ સજા થયા બાદ હજી સુધી એનો અમલ થયો નથી. અત્યારે તેમને ફાંસી આપવાની તારીખ એકાદ મહિનામાં જાહેર થાય એવી શક્યતા છે. જોકે તિહાર જેલમાં તંત્રને એક સમસ્યા એ સતાવી રહી છે કે આરોપીઓને ફાંસીએ ચઢાવવા માટે જેલ પાસે જલ્લાદ જ નથી.

આ ચારે આરોપીઓની દયાની અરજી હાલમાં રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. જો રાષ્ટ્રપતિ આ અરજી ફગાવી દેશે તો પ્રક્રિયા પ્રમાણે બ્લૅક વૉરન્ટ જાહેર થશે અને એ પછી કોર્ટ ફાંસીની તારીખ નક્કી કરશે. છેલ્લી વખત સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી અપાઈ હતી. એ વખતે જેલના એક કર્મચારીએ જલ્લાદની કામગીરી કામચલાઉ ધોરણે અદા કરી હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

હવે તિહાર જેલનું તંત્ર ચાર આરોપીઓને ફાંસી આપવા માટે અન્ય જેલોનો સંપર્ક કરી રહ્યું છે. યુપીનાં કેટલાંક ગામડાંઓમાં પણ તપાસ થઈ રહી છે જ્યાં ભૂતપૂર્વ જલ્લાદ રહેતા હોય. સૂત્રોનું કહેવું છે કે જેલ તરફથી કૉન્ટ્રૅક્ટના આધારે જલ્લાદની નિમણૂક થઈ શકે છે. ભારતમાં આરોપીઓને છાશવારે ફાંસી થતી ન હોવાથી આ માટેના કાયમી કર્મચારીઓ મળવા મુશ્કેલ છે.

national news