દિલ્હીમાં ધૂળની આંધી, વરસાદ

11 May, 2020 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ધૂળની આંધી, વરસાદ

વરસાદી તોફાન : નવી દિલ્હીમાં ગઈ કાલે પહેલાં તો ધૂળનું તોફાન ઊઠ્યું હતું અને એ પછી ગરમીથી રાહત આપતો વરસાદ પડ્યો હતો. તોફાનમાં અનેક હૉર્ડિંગને નુકસાન થયું હતું. તસવીર : પી.ટી.આઈ.

દેશની રાજધાની નવી દિલ્હીમાં ગઈ કાલે ગરમીનો પારો ૪૦.૯ ડિગ્રી સુધી પહોંચી જતાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યાર બાદ દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની આંધી ઊઠી હતી. એ પછી હળવા છાંટા પડતાં પારો નીચે આવ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

લોકોએ આ ઘટનાને પણ તેમના મોબાઇલમાં કેદ કરી તેના ફોટા અને વિડિયો પાડી એકબીજા સાથે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. દિલ્હી વેધશાળાના ટોચના અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે હાલમાં જ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ ઘટના બની હતી.

ધૂળની ડમરી ઊડી ત્યારે ૭૦ કિલોમીટરની ઝડપે દિલ્હીની ગલીઓમાં પવન ફુંકાયો હતો અને ત્યાર બાદ વરસાદના છાંટા પડ્યા હતા એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

હવામાનને લગતી આગાહી કરતી જાણીતી સંસ્થા સ્કાયમેટ વેધરે કહ્યું છે કે આ અઠવાડિયામાં દિલ્હીનો ઉચ્ચતમ પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે મિનિમમ ટેમ્પરેચર ૩૨ ડિગ્રીની આસપાસ રહે એવી શક્યતા છે.

રાજધાનીમાં ભૂકંપના આંચકા

રાજધાની દિલ્હીમાં રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એક મહિનામાં ત્રીજી વખત આજે દિલ્હીમાં આવ્યા હતા. આ વખતે ૩.૫ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. તેનું સેન્ટર દિલ્હીની પાસે ગાઝિયાબાદ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પહેલાં ૧૨ અને ૧૩ એપ્રિલે દિલ્હી-એનસીઆરમાં સતત બે દિવસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ઝટકો ૧૨ એપ્રિલના રોજ ૩.૫ની તીવ્રતાની ગતિએ આવ્યો હતો અને બીજો ઝટકો પાંચ કિલોમીટરની ઊંડાઈ ઉપર ૨.૭ની તીવ્રતા સાથે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર છેલ્લી વખત દિલ્હી હતું.

new delhi national news