ગયામાં રસી ન લેનારને નહીં મળે સસ્તા દરે અનાજ

25 October, 2021 11:25 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

વિડિયો કૉન્ફરન્સિંગમાં જિલ્લાના તમામ ઉચ્ચાધિકારીઓની બેઠકમાં આ આદેશ આપવામાં આવ્યો હતો

ગઈ કાલે ગુવાહાટીમાં વૅક્સિન મુકાવતી યુવતી (તસવીર : પી.ટી.આઇ.)

ગયાના રહેવાસીઓ માટે સ્થાનિક પ્રશાસને ચેતવણી બહાર પાડી છે. ગયા જિલ્લા પ્રશાસને કોરોના રસી ન લીધી હોય તેવા લોકોને સસ્તા ભાવે અનાજ ન આપવાનો આદેશ બહાર પાડ્યો છે.

વિડિયો કૉન્ફરન્સિંગમાં જિલ્લાના તમામ ઉચ્ચાધિકારીઓની બેઠકમાં આ આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યા પ્રમાણે અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે રસી ન લીધી હોય તેવા લોકોને શોધવામાં આવે અને રસી આપવામાં આવે. જો રસી લેવાની ના પાડે તો તેવા નાગરિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ૨૦૦૫ના મહામારી કાયદા પ્રમાણે જિલ્લા તંત્ર પાસે રસી લેવાની ના પાડતી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવાની સત્તા છે. સરકારી અનાજની દુકાનના માલિકોને પણ જણાવવામાં આવ્યું છે કે તે એવા લોકોને જ અનાજ આપે જેઓ કોરોના રસીકરણનું સર્ટિફિકેટ દર્શાવે. ૨૮ ઑક્ટોબરથી ૭ નવેમ્બરે રસીકરણના મેગા કૅમ્પનું આયોજન થવાનું છે. ગયા જિલ્લામાં અત્યાર સુધી ૨૪,૭૮,૯૩૫ લોકોએ રસી લીધી છે.

national news coronavirus covid19 patna