03 May, 2025 06:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહ.
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાને લઈને દેશભરના લોકો ગુસ્સામાં છે. ભારતીય સેના જવાબી કાર્યવાહીની તૈયારીમાં છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં ગુરુવારે એક કાર્યક્રમ દરમ્યાન આતંકવાદીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘આ નરેન્દ્ર મોદીની સરકાર છે, આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહલગામ હુમલાનો વીણી-વીણીને બદલો લેવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. સમગ્ર દેશની જનતાને એ જણાવવા માગું છું કે ૯૦ના દાયકાથી કાશ્મીરમાં જે આતંકવાદ ચાલી રહ્યો છે એની વિરુદ્ધ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટૉલરન્સની નીતિ છે. અમે મજબૂતી સાથે પોતાની લડાઈ લડ્યા છીએ અને આજે કોઈ એવું ન સમજે કે અમારા ૨૬ નાગરિકોના જીવ લઈને તેઓ આ લડાઈ જીતી ગયા છે. હું તમામ આતંક ફેલાવનારાઓને કહેવા માગું છું કે આ લડાઈનો અંત નથી, દરેક વ્યક્તિને વીણી-વીણીને જવાબ મળશે અને જવાબ લેવામાં પણ આવશે.’