વીજ ઉત્પાદન માટે કોલસાની શૉર્ટેજ નથી જ : કોલસા પ્રધાન

14 October, 2021 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિપક્ષના એકધારા આક્ષેપો વચ્ચે કોલસા પ્રધાન કહે છે કે દેશમાં કોલસાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે

વીજ ઉત્પાદન માટે કોલસાની શૉર્ટેજ નથી જ : કોલસા પ્રધાન

દેશના ઊર્જામથકો કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે, એ વચ્ચે કેન્દ્ર સરકારના કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ એવું નિવેદન આપ્યું છે કે ઊર્જાઉત્પાદન માટે કોલસાનો પુરવઠો પૂરો પાડવામાં કોઈ કટોકટી નહીં સર્જાય. છેલ્લા થોડા દિવસથી કૉન્ગ્રેસ અને આપ સહિતના વિરોધ પક્ષ દ્વારા શોરબકોર થઈ રહ્યો છે કે દેશમાં કોલસાનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને તેને કારણે દેશમાં તેના દ્વારા થતા વીજળીના ઉત્પાદન પર અસર થશે.
કોલસા પ્રધાન ગઈ કાલે બિલાસપુર પાસે કોરબા જિલ્લામાં આવેલી ગેવરા, દિપ્કા અને કુસમંડાની ખાણોમાં નિરીક્ષણ માટે આવ્યા હતા, ત્યાં બિલાસપુર અૅરપોર્ટ પર તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. કોલસાની કટોકટીની વાતને કૉન્ગ્રેસ મોટું સ્વરૂપ આપી રહી છે કે કેમ તેવા સવાલના જવાબમાં કોલસા પ્રધાને જણાવ્યું હતું કે આ મુદ્દાને મારે રાજકીયરૂપ નથી આપવું. અત્યાર સુધી આપણી જેટલી જરૂર છે તેટલી પૂરી થઈ રહી છે. આજે માગ અગિયાર લાખ ટન જેટલી છે, તેની સામે આપણે વીસ લાખ ટનની સપ્લાય કરી છે. આને કારણે જથ્થો પણ વધી રહ્યો છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે દેશમાં કોલસાની સપ્લાયને લઈને વીજઉત્પાદનમાં કોઈ તકલીફ નહીં આવે. તેમણે ઉમેર્યું હતું કે વધુ બાબતો અમે ખાણોનાં નિરીક્ષણ પછી જાહેર કરીશું.
અમુક રાજ્યોમાં જોવા મળેલી કોલસાની કટોકટીને લઈને મંગળવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા કોલસાની સપ્લાય અને વીજઉત્પાદનની સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.

national news new delhi