યમુનોત્રી હાઇવે પૂરેપૂરો ખૂલવામાં હજી ત્રણ દિવસ પણ લાગી શકે છે

22 May, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨,૦૦૦થી પણ વધુ યાત્રાળુઓ ફસાયા : સૌને સલામત સ્થળે લઈ જવાનું ચાલી રહ્યું છે કામ

ઉત્તરકાશીમાં યમુનોત્રી હાઇવે પર ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડી હતી. એ પછી ગઈ કાલે કાટમાળ અને મોટા પથ્થરો પાસેથી પસાર થઈ રહેલા લોકો અને પોલીસના જવાનો. પી.ટી.આઇ.

દેહરાદૂન ઃ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે. જોકે તેમણે અહીં પ્રતિકૂળ હવામાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દરમ્યાન યમુનોત્રી ધામ જવા માટેના હાઇવેની સેફ્ટી વૉલ ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે લગભગ ૧૨,૦૦૦ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ અલગ-અલગ પૉઇન્ટ્સ પર ફસાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ગ ખૂલતાં લગભગ ત્રણ દિવસ લાગશે.
હાઇવેની સેફ્ટી વૉલ ધરાશાયી થવાના કારણે આવવું-જવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. જોકે વહીવટીતંત્ર નાની કારોમાં મુસાફરોને ત્યાંથી સુર​ક્ષિત સ્થળોએ લઈ જવાની કોશિશ કરી રહ્યું છે. સરકાર યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરે છે. 
ચમોલીમાં ભારે વરસાદના કારણે બદરીનાથ નૅશનલ હાઇવે પર હનુમાન ચટ્ટીથી બદરીનાથની વચ્ચે, લામબગડમાં ખચડા નાળામાં પાણી વધતાં અને બલદૂદામાં ભેખડો ધસી પડવાના કારણે આ યાત્રા રોકી દેવામાં આવી હતી. મુસાફરોને પાંડુકેશ્વર, બદરીનાથ જોશીમઠ, પીપલકોટી, ચમોલી અને ગૌચરમાં રોકવામાં આવ્યા હતા.

national news uttarakhand