હરિદ્વાર, દિલ્હીમાં હેટ સ્પીચના મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ ઇશ્યુ કરી

13 January, 2022 11:38 AM IST  |  New Delhi | Agency

બેન્ચે અરજીની સુનાવણી ૧૦ દિવસ બાદ રાખવાની નોટિસ ઇશ્યુ કરતાં પિટિશનકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબલે એનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આગામી ધર્મસંસદ ૨૩ જાન્યુઆરીએ યોજાનાર છે, જે યોજાય એમ તેઓ નથી ઇચ્છતા. 

સુપ્રીમ કૉર્ટ (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર, દિલ્હી પોલીસ અને ઉત્તરાખંડ પોલીસને તાજેતરમાં હરિદ્વાર અને દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલા બે કાર્યક્રમ દરમ્યાન કથિત રીતે કરવામાં આવેલાં દ્વેષપૂર્ણ ભાષણ કરનારાઓ સામે તપાસ કરીને પગલાં લેવા માટે કરવામાં આવેલી અરજીનો જવાબ આપવા જણાવ્યું હતું. 
અરજી સાંભળવા અને એ સંબંધે નોટિસ ઇશ્યુ કરવા સંમત થયેલા ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત સ્થાનિક અધિકારીઓને ભવિષ્યમાં અહીં ધર્મસંસદ કાર્યક્રમો યોજવા સામે રજૂઆત કરવાની અરજદારોને મંજૂરી આપી હતી. 
જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બનેલી આ બેન્ચે કેસની સુનાવણી ૧૦ દિવસ બાદ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પત્રકાર કુરબાન અલી તથા પટનાના ભૂતપૂર્વ વ્યાયાધીશ અને વરિષ્ઠ વકીલ અંજના પ્રકાશ દ્વારા મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતનાં ભાષણોની ઘટનામાં એસઆઇટી દ્વારા સ્વતંત્ર, વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસ માટેનો નિર્દેશ આપવાની માગણી કરી હતી.  
બેન્ચે અરજીની સુનાવણી ૧૦ દિવસ બાદ રાખવાની નોટિસ ઇશ્યુ કરતાં પિટિશનકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબલે એનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આગામી ધર્મસંસદ ૨૩ જાન્યુઆરીએ યોજાનાર છે, જે યોજાય એમ તેઓ નથી ઇચ્છતા. 

national news supreme court