‘રાષ્ટ્રપતિ કરે સંસદ ભવનનું ઉદ્ઘાટન’ આવી માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

26 May, 2023 04:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે ફગાવી દેવામાં આવી હતી

ફાઇલ તસવીર

નવા સંસદ ભવન (New Parliament Building)નાં ઉદ્ઘાટન મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજદારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે પીઆઈએલ દાખલ કરનાર વકીલને કહ્યું કે, “અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે. આવી અરજીઓ પર ધ્યાન આપવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી.”

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે, “અમે આ મામલામાં હસ્તક્ષેપ કરવા માગતા નથી. જો તમે ઈચ્છો તો હાઈકોર્ટમાં જઈ શકો છો. જોકે, અરજદારના વકીલે હાઈકોર્ટમાં જવાને બદલે પોતાની અપીલ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેકે મહેશ્વરી અને પીએસ નરસિમ્હાની બેન્ચે અરજીકર્તા એડવોકેટ સીઆર જયા સુકીનને પૂછ્યું કે, “આમાં તમારી શું ભૂમિકા છે? જેના પર વકીલે કહ્યું કે રાષ્ટ્રપતિ તમામ સાંસદોના વડા છે. તેઓ મારા રાષ્ટ્રપતિ પણ છે.” તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “અમને ખબર છે કે તમે આવી અરજીઓ કેમ દાખલ કરો છો. અમે કલમ 32 હેઠળ આ અરજીની સુનાવણી કરવા ઇચ્છતા નથી.

શું છે કલમ 32?

કલમ 32 (Article 32) હેઠળ ભારતના દરેક નાગરિકને બંધારણમાંથી મળેલા મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનો અધિકાર મળે છે. આ પછી, અરજદાર વકીલે બંધારણની કલમ 79નો ઉલ્લેખ કર્યો. કલમ 79 જણાવે છે કે સંઘ માટે સંસદ હશે, જેમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, “આર્ટિકલ 79 ઉદ્ઘાટન સાથે કેવી રીતે સંબંધિત છે?” આ પ્રશ્નના જવાબમાં વકીલે કહ્યું કે, “રાષ્ટ્રપતિ સંસદના વડા છે, તેમણે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.”

આ પણ વાંચો: રાહુલ ગાંધીને મળી નવું પાસપૉર્ટ બનાવવાની છૂટ, 3 વર્ષ માટે અપાઈ NOC

કલમ 85 અને 87નો પણ ઉલ્લેખ

આ સાથે જ સીઆર જયા સુકિને કલમ 85 અને કલમ 87નો હવાલો આપતા કહ્યું કે રાષ્ટ્રપતિને સંસદનું સત્ર બોલાવવાનો કાયદાકીય અધિકાર છે. આ સાથે તેઓ સંસદમાં સંબોધન કરે છે. સુપ્રીમ કોર્ટ વકીલની આ દલીલો સાથે સહમત ન હતી અને અરજી ફગાવી દીધી હતી.

national news supreme court parliament Lok Sabha Rajya Sabha narendra modi