નવા વેરિઅન્ટે ટેન્શન વધાર્યું, વડા પ્રધાને હાઈ લેવલની મીટિંગ કરી

28 November, 2021 11:49 AM IST  |  New Delhi | Agency

અધિકારીઓએ વડા પ્રધાનને ઓમિક્રોન, એની લાક્ષણિકતાઓ અને વિવિધ દેશોમાં જોવા મળેલી અસરો વિશે જણાવ્યું હતું. સાથે જ આ મીટિંગમાં ઇન્ડિયા પર પડનારી એની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. 

નવી દિલ્હીમાં ગઈ કાલે ટોચના અધિકારીઓ સાથેની વિડિયો કૉન્ફરન્સિંગ મીટિંગમાં નરેન્દ્ર મોદી.

દુનિયાના કેટલાક દેશોમાં નવા વેરિઅન્ટના કેસ આવતાં ભારત પણ ઍક્શન લઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આ નવા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને ટોચના અધિકારીઓ સાથેની એક હાઈ લેવલની મીટિંગ કરી હતી. યુરોપ તેમ જ અમેરિકા સહિત અનેક દેશોએ આફ્રિકન દેશો સાથેના ઍર-ટ્રાવેલ પર બૅન મૂકી દીધો છે ત્યારે વડા પ્રધાને અધિકારીઓને ઇન્ટરનૅશનલ ટ્રાવેલ પરનાં નિયંત્રણો હળવા કરવાના પ્લાનની સમીક્ષા કરવા જણાવ્યું હતું. દેશમાં વૅક્સિનેશનની સ્થિતિ​ તેમ જ જનતાના આરોગ્ય માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટેની આ મીટિંગ લગભગ બે કલાક સુધી ચાલી હતી. અધિકારીઓએ વડા પ્રધાનને ઓમિક્રોન, એની લાક્ષણિકતાઓ અને વિવિધ દેશોમાં જોવા મળેલી અસરો વિશે જણાવ્યું હતું. સાથે જ આ મીટિંગમાં ઇન્ડિયા પર પડનારી એની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. 
વડા પ્રધાને વિદેશોમાંથી આવતા તમામ લોકોનું મૉનિટરિંગ, ગા​ઇડલાઇન્સ અનુસાર તેમનું ટેસ્ટિંગ તેમ જ જે દેશોમાં આ વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે એ દેશો પર ખાસ ફોકસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાને રાજ્ય અને જિલ્લા સ્તરે યોગ્ય અવેરનેસ રહે એની ખાતરી કરવા માટે રાજ્ય સરકારોની સાથે સારી રીતે સંકલન સાધીને કામ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. 

national news narendra modi