મોદી સરકારનો મોટો નિર્ણય- ૨૫ જૂન હવેથી ઓળખાશે સંવિધાન હત્યા દિવસ તરીકે

13 July, 2024 06:38 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કહ્યું કે કટોકટી ​લાદવાના કૉન્ગ્રેસના દમનકારી પગલાને દેશ કાયમ માટે ભારતીય ઇતિહાસના કાળા અધ્યાય તરીકે યાદ રાખશે

અમિત શાહે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી અને નરેન્દ્ર મોદીએ એનું અનુમોદન કર્યું.

કેન્દ્રની મોદી સરકારે ગઈ કાલે એક મોટો નિર્ણય લઈને ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઘોષિત કર્યો હતો. આ સંબંધે એક અધિસૂચના પણ જાહેર કરવામાં આવી છે. ૧૯૭૫માં આ જ દિવસે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સીની ઘોષણા કરી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અધિસૂચના જાહેર કરતા ગૅઝેટની કૉપી શૅર કરીને લખ્યું હતું કે ‘૧૯૭૫ની ૨૫ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતા દર્શાવીને દેશમાં કટોકટી લાદીને ભારતીય લોકતંત્રના આત્માના ગળે ટૂંપો દઈ દીધો હતો. લાખો લોકોને અકારણ જેલમાં નાખી દીધા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે ૨૫ જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે પાળવાનો નિર્ણય લીધો છે. આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે જેમણે ૧૯૭૫ની કટોકટીની અમાનવીય પીડા સહી હતી. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ એ લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનું છે જેમણે તાનાશાહી સરકારની અસંખ્ય યાતનાઓ અને ઉત્પીડનનો સામનો કર્યા છતાં લોકતંત્રને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. સંવિધાન હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા કરવા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિ જીવિત રાખવાનું કામ કરશે, જેથી કૉન્ગ્રેસ જેવી કોઈ પણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં એની પુનરાવૃતિ ન કરી શકે.’

આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર અમિત શાહની પોસ્ટને શૅર કરીને લખ્યું હતું કે ‘૨૫ જૂને સંવિધાન હત્યા દિવસ દેશવાસીઓને યાદ દેવડાવશે કે બંધારણને કચડી નાખ્યા બાદ દેશને કેવા-કેવા સંજોગોમાંથી પસાર થવું પડ્યું હતું. આ દિવસ એ તમામ લોકોને નમન કરવાનો પણ છે જેમણે કટોકટીની પીડા સહન કરી હતી. દેશ કૉન્ગ્રેસના આ દમનકારી પગલાને ભારતીય ઇતિહાસના એક કાળા અધ્યાય તરીકે હંમેશાં યાદ રાખશે.’

જોકે કૉન્ગ્રેસે સરકારના આ નિર્ણય પર નિશાન તાક્યું હતું. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ‘નૉન-બાયોલૉજિકલ વડા પ્રધાને ફરી એક વાર હિપોક્રસીથી ભરેલી હેડલાઇન બનાવવાનો પ્રયાસ કર્યો છે, પણ ૨૦૨૪ની ૪ જૂન દેશના લોકો ‘મોદી મુક્તિ દિવસ’ નામથી જાણશે. તેમની નૈતિક હાર પહેલાં ૧૦ વર્ષ તેમણે દેશમાં અઘોષિત કટોકટી લગાવી રાખી હતી.’

national news india narendra modi national democratic alliance congress amit shah