સરકાર વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ૧૮ મહિના માટે મોકૂફ રાખવા તૈયાર

21 January, 2021 01:31 PM IST  |  New Delhi | Agencies

સરકાર વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ૧૮ મહિના માટે મોકૂફ રાખવા તૈયાર

ગઈ કાલે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા બાદ પ્રધાનો નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ અને સોમ પ્રકાશ. તસવીર : પી.ટી.આઇ.

છેલ્લા બે મહિનાથી દેશની રાજધાની દિલ્હીમાં નવા કૃષિ કાયદાની સામે ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા સરકાર દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતો સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે મુજબ એકથી દોઢ વર્ષ માટે આ કાયદાને મોકૂફ રાખવામાં આવશે તેમ જ ખેડૂતોને લાભ થાય એ પ્રકારનો ઉકેલ શોધવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ આ કાયદાને મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે તેમ જ એક સમિતિ બનાવી છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ સરકારના આ પ્રસ્તાવ પર વિચાર કરશે. એ બાબતના અનુસંધાનમાં મંત્રણાની આગામી તારીખ ૨૨ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
ખેડૂત સંગઠનોના નેતાઓ સરકારના પ્રસ્તાવ વિશે આજે પરસ્પર ચર્ચા કરીને આવતી કાલે મંત્રણાના અગિયારમા દોરમાં કેન્દ્ર સરકારને તેમની કૅફિયતની જાણ કરશે. ગઈ કાલે દસમા દોરની પાંચ કલાકની મંત્રણામાં વ્યાપક સ્તરે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે સરકાર તમામ મામલે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે.

new delhi national news