પાર્ટીઓએ ગઢ ગુમાવ્યા

27 June, 2022 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ગઢ જેવી લોકસભાની રામપુર અને આઝમગઢની બેઠક પર કબજો કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ એના ગઢ સમાન પંજાબની સંગરૂર સંસદીય બેઠક ગુમાવી

ભાજપ પાર્ટી લોગો

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ લોકસભાની ત્રણ, જ્યારે વિધાનસભાની સાત બેઠકો પર ૨૩ જૂને થયેલી પેટા-ચૂંટણીઓનાં પરિણામો ગઈ કાલે જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં એકંદરે બીજેપીને લાભ થયો છે. આ પાર્ટીએ ​ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ગઢ જેવી લોકસભાની રામપુર અને આઝમગઢની બેઠક પર કબજો કર્યો છે. 
આમ આદમી પાર્ટીએ એના ગઢ સમાન પંજાબની સંગરૂર સંસદીય બેઠક ગુમાવી છે. જોકે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દેશની રાજધાનીમાં રાજિન્દર નગર વિધાનસભાની બેઠક જાળવી રાખી છે. ઉત્તર પ્રદેશમાં શાસક બીજેપીના ઉમેદવાર ઘનશ્યામ લોઢીએ રામપુર સંસદીય બેઠકને ૪૨,૦૦૦ મતના માર્જિનથી જીતી હતી. લોઢીએ સમાજવાદી પાર્ટીના મોહમ્મદ અસિમ રાજાને હરાવ્યા હતા. આઝમગઢમાં પણ સમાજવાદી પાર્ટીને નુકસાન થયું છે. બીજેપીના દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’એ સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવને ૮૬૭૯ મતના માર્જિનથી હરાવ્યા છે. 
ઝારખંડની મંદર સીટ પર કૉન્ગ્રેસનાં ઉમેદવાર શિલ્પી નેહા તિરકેએ ૨૩,૫૧૭ મતના માર્જિનથી બીજેપીનાં ગંગોત્રી કુજુરને હરાવ્યાં છે.
શાસક વાયએસઆર કૉન્ગ્રેસે ૮૨,૮૮૮ મતના ભારે માર્જિનથી આંધ્ર પ્રદેશના એસપીએસ નેલ્લોર જિલ્લામાં અતમાકુરુ વિધાનસભા બેઠક જાળવી રાખી છે. શિરોમણિ અકાલી દળના સિમરનજિત સિંહ માને લોકસભાની સંગરૂર બેઠક પર આમ આદમી પાર્ટીના ગુરમૈલ સિંહને ૫૮૨૨ મતના માર્જિનથી હરાવ્યા હતા. 

national news uttar pradesh bharatiya janata party