ટેસ્લાએ આખરે ઇન્ડિયામાં એન્ટ્રીનો પ્લાન મોકૂફ રાખ્યો

14 May, 2022 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જો ટેસ્લા ઇન્ડિયામાં પોતાની કાર વેચવા ઇચ્છતી હોય તો એણે અહીં એના માટે ઉત્પાદન શરૂ કરવું જોઈએ. ચીનમાં બનતી ટેસ્લા કાર માટે ભારતમાં કોઈ સ્થાન નથી.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર્સની ખાસ્સા સમયથી રાહ જોવામાં આવી રહી છે. જોકે હવે શક્ય બની શકે કે આ કાર માટે ખૂબ રાહ જોવી પડે કેમ કે ટેસ્લાએ એની કારને ઇન્ડિયન માર્કેટમાં વેચવાનો પ્લાન અત્યારે મોકૂફ રાખ્યો છે. આ કંપનીએ ઇન્ડિયામાં પોતાની કારના શોરૂમ માટે જગ્યા શોધવાનું કામ બંધ કરી દીધું છે. 
ટેસ્લા અને ભારત સરકારની વચ્ચે ઇમ્પોર્ટ ટૅક્સ ઘટાડવા બાબતે ખાસ્સા સમયથી વાતચીત અટકી છે. આ મડાગાંઠને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. ઇલૉન ઇચ્છે છે કે ભારતમાં ટેસ્લાની ફૅક્ટરી શરૂ કરતાં પહેલાં ભારત સરકાર તેમને ઇલેક્ટ્રિક કાર્સને ઇન્ડિયામાં લાવવા માટે ઇમ્પોર્ટ ટૅક્સમાં છૂટ આપે જેથી આ કંપની ઇન્ડિયન માર્કેટમાં પોતાની કારની ડિમાન્ડ અને રિસ્પૉન્સનો ટેસ્ટ કરી શકે.
જોકે ભારત સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જો ટેસ્લા ઇન્ડિયામાં પોતાની કાર વેચવા ઇચ્છતી હોય તો એણે અહીં એના માટે ઉત્પાદન શરૂ કરવું જોઈએ. ચીનમાં બનતી ટેસ્લા કાર માટે ભારતમાં કોઈ સ્થાન નથી. 

national news new delhi