આતંકવાદી ડૉ. આદિલે પાંચમી ઑક્ટોબરે કર્યા હતા નિકાહ, માત્ર મુસ્લિમ ડૉક્ટરોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું

12 November, 2025 11:26 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

પોલીસે જણાવ્યું હતું કે ‘૨૦૨૪માં તેણે દિલ્હી રોડ પર આવેલી ઑસ્કર હૉસ્પિટલ (વિભ્રોસ)માં લગભગ એક વર્ષ કામ કર્યું હતું`

ડૉ. આદિલ

શ્રીનગરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતાં પોસ્ટરો લગાવવાના આરોપમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી ઝડપાયેલા ડૉ. આદિલ અહમદ રાથેરે પાંચમી ઑક્ટોબરે જ હૉસ્પિટલમાં કાર્યરત એક સાથી ડૉક્ટર સાથે નિકાહ કર્યા હતા. તેના નિકાહમાં ડૉ. બ્રાર અને ડૉ. અસલમ સૈફી સહિત માત્ર ૪ મુસ્લિમ ડૉક્ટરોને આમંત્રણ આપ્યું હતું. હૉસ્પિટલના ડિરેક્ટર મનોજ મિશ્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

આતંકવાદી ડૉ. આદિલના નિકાહ પાંચમી ઑક્ટોબરે જમ્મુ અને કાશ્મીરમાં થયા હતા. તેણે આ માટે એક મહિનાનો પગાર લીધો અને રજા પર ગયો હતો. તે લગભગ એક મહિના સુધી જમ્મુ અને કાશ્મીરમાં રહ્યો હતો. આતંકવાદી નિકાહ પછી થોડા દિવસો પહેલાં સહારનપુરમાં આવ્યો હતો.

હનીમૂન પર જતાં પહેલાં ઝડપાઈ ગયો

ડૉ. આદિલ હનીમૂન પર જવા માટે તૈયારી કરી રહ્યો હતો એ પહેલાં જ તેને જમ્મુ અને કાશ્મીર પોલીસે પકડી લીધો હતો. તેણે સહારનપુરની ઘણી હૉસ્પિટલોમાં કામ કર્યું હતું. આદિલે ૨૦૨૩-’૨૪માં ઉત્તર પ્રદેશથી તેનું મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યું હતું. ત્યારથી તે સહારનપુરની વિવિધ હૉસ્પિટલોમાં કામ કરી રહ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘૨૦૨૪માં તેણે દિલ્હી રોડ પર આવેલી ઑસ્કર હૉસ્પિટલ (વિભ્રોસ)માં લગભગ એક વર્ષ કામ કર્યું હતું. તે ડૉ. અંકુર ચૌધરીને મળ્યો હતો, જે આ જ હૉસ્પિટલમાં કાર્યરત હતો. ડૉ. અંકુરે બાદમાં આતંકવાદી ડૉ. આદિલ અહમદ અને પ્રખ્યાત મેડિકૅર હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. મનોજ મિશ્રા વચ્ચે મુલાકાત ગોઠવી હતી. મનોજ મિશ્રાએ ડૉ. આદિલને માસિક પાંચ લાખ રૂપિયાના પગાર પર નિયુક્ત કર્યો હતો. આદિલ સવારથી સાંજના સાત વાગ્યા સુધી હૉસ્પિટલમાં જ હાજર રહેતો હતો.’

પોલીસે જણાવ્યું હતું કે ડૉ. આદિલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે અને સહારનપુરના અંબાલા રોડ પરની પ્રખ્યાત હૉસ્પિટલમાં કામ કરતો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે તેની પૂછપરછ માટે ૩ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે.

national news india srinagar terror attack uttar pradesh jammu and kashmir