12 વર્ષની છોકરી 3 દિવસ સુધી 100 કિમી ચાલી, ઘરે પહોંચે તે પહેલાં જ મોત

22 April, 2020 10:02 AM IST  |  Bijapur | Agencies

12 વર્ષની છોકરી 3 દિવસ સુધી 100 કિમી ચાલી, ઘરે પહોંચે તે પહેલાં જ મોત

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના કારણે દેશભરમાં ઘણા લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. મોટા શહેરોમાંથી લોકો પોતાના ઘરે પરત આવવા ઈચ્છે છે, કારણ કે ત્યાં બે ટંકનું ખાવાનું મળી રહે. આજ અપેક્ષામાં તેલંગણાના પેરુર ગામથી ૧૨ વર્ષની માસૂમ પગપાળા છત્તીસગઢના બિઝાપુર જિલ્લાના આદેડ ગામ આવવા માટે રવાના થઈ. રસ્તામાં તબિયત બગડી છતાં પણ તે ત્રણ દિવસ સુધી ૧૦૦ કિ.મી. ચાલી. પોતાના ગામથી માત્ર ૧૪ કિ.મી. દૂર હતી ત્યાં જ તેનું મોત થયું હતું. તેની સાથે ગામના અન્ય ૧૧ લોકો પણ હતા. જંગલના રસ્તે ચાલતા હોવાથી તેમને કોઈ સારવાર મળી શકી નહીં.

સાથે રહેલા લોકોએ જણાવ્યું હતું કે બાળકીના પેટમાં દુખાવો થતો હતો. બિઝાપુરના આદેડ ગામની જમલો મડકમ પોતાના ગામના કેટલાક લોકો સાથે કામની શોધમાં બે મહિના પહેલાં તેલંગણાના પેરુર ગામમાં ગઈ હતી. ત્યાં તેને મરચાં તોડવાનું કામ મળ્યું હતું. લૉકડાઉનના કારણે કામ બંધ થઈ ગયું. ગમે તેમ કરી જમવાની વ્યવસ્થા કરી તેણે અમુક દિવસો તો ત્યાં જ પસાર કર્યા, પરંતુ લૉકડાઉન લાંબુ ચાલતા તેને ખાવાની સમસ્યા ઊભી થઈ. આથી ૧૬ એપ્રિલના રોજ જમલો તેના ગામના અન્ય ૧૧ લોકો સાથે તેલંગણાથી બિઝાપુર પગપાળા આવવા નીકળી પડી. બીજા દિવસે જમલાની તબિયત બગડી, ૧૮ એપ્રિલે આ લોકો ૧૦૦ કિ.મી. ચાલીને મોદકપાલ વિસ્તારના ભંડારપાલ ગામ પહોંચ્યા હતા, ત્યારે જમલોનું મોત થઈ ગયું હતું. જમલો તેનાં માતા-પિતાનું એક માત્ર સંતાન હતું.

telangana national news