25 August, 2026 11:48 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
CM વિજય
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ૨૦૨૭ના જાન્યુઆરીમાં પોંગલ તહેવારથી પરિવારના મહિલા વડાઓને વાર્ષિક ૩ મફત લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર મળશે. આ યોજનામાં ૨.૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો તેમ જ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો, નાના અને સીમાંત ખેડૂતો અને દિવ્યાંગ વ્યક્તિઓના પરિવારોને આવરી લેવામાં આવશે. રસોઈ ગૅસ-સિલિન્ડરની કિંમત ડિલિવરી વખતે ચૂકવવી પડશે, પરંતુ એ પછી સીધી પરિવારના મહિલા વડાના બૅન્ક-ખાતામાં પરત કરવામાં આવશે.
આ ઉપરાંત મુખ્ય પ્રધાને ‘વેત્રી પયનમ’ યોજનાની જાહેરાત કરી હતી જે બીજી ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી શરૂ થશે અ ને એમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો બસમાં મફત મુસાફરી કરી શકશે.
BJPએ વિજયની નવી સ્કીમ પર નિશાન સાધીને કહ્યુંઃ ચૂંટણી પહેલાં વચન છ સિલિન્ડરનું, આપ્યાં માત્ર ત્રણ?
તામિલનાડુ BJPના પ્રવક્તા નારાયણન તિરુપતિએ મુખ્ય પ્રધાન વિજયની ત્રણ ગૅસ-સિલિન્ડર આપવાની સ્કીમની ટીકા કરીને રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે એ બધા પરિવારોને દર વર્ષે ૬ મફત ગૅસ-સિલિન્ડર આપવાના પોતાના ચૂંટણી વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. તિરુપતિએ કહ્યું હતું કે ‘સરકારે હવે આ લાભ વર્ષમાં ૩ સિલિન્ડર સુધી મર્યાદિત કરી દીધો છે અને ૨.૫ લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો સુધી પાત્રતા મર્યાદિત કરી દીધી છે. સરકારે ચૂંટણી વચનની સરખામણીમાં સિલિન્ડરની સંખ્યા અને લાભાર્થીઓની સંખ્યા બન્ને કેમ ઘટાડી છે? ચૂંટણી દરમ્યાન તેમનું વચન દર વર્ષે છ સિલિન્ડર અને બધા પરિવારોને આપવાનું હતું, પરંતુ હવે તેઓ કહે છે કે ફક્ત ૩ સિલિન્ડર મળશે અને અે પણ પોંગલથી. તમે તામિલનાડુના લોકોને કેમ છેતર્યા?’