આવી છે તામિલનાડુ સરકાર : ગૌવંશની કતલ પરના સંપૂર્ણ પ્રતિબંધના હાઈ કોર્ટના ઑર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

03 July, 2026 07:53 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

આ મામલો હિન્દુ મક્કલ કચ્ચીના જનરલ સેક્રેટરી કે. સૂર્યા પ્રશાંત દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી બાદ સામે આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુ સરકારે રાજ્યમાં ગાયો અને વાછરડાંની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતા મદ્રાસ હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સરકારે હાઈ કોર્ટના ૨૭ મેના એ આદેશને પડકાર્યો છે જેમાં મુખ્ય સચિવ અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને બકરી ઈદ પહેલાં કે અન્ય કોઈ પણ દિવસે રાજ્યમાં ગૌવંશની કતલ ન થાય એ સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયો હતો. તામિલનાડુ સરકારની અપીલમાં જણાવાયું છે કે જાહેર સ્થળોએ ગાયોની કતલ રોકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈ કોર્ટે પોતાના દાયરાથી બહાર જઈને આ પ્રકારનો સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

આ મામલો હિન્દુ મક્કલ કચ્ચીના જનરલ સેક્રેટરી કે. સૂર્યા પ્રશાંત દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી બાદ સામે આવ્યો હતો જેમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ કતલ કરવાની માગણી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે ૧૯૭૬ના એક જૂના ચુકાદાને આધારે ગ્રામીણ અર્થતંત્ર અને દૂધ ઉત્પાદનના હિતમાં આ બ્લૅન્કેટ બૅન લગાવ્યો હતો. જોકે રાજ્ય સરકારે આ આદેશને તામિલનાડુ ઍનિમલ પ્રિઝર્વેશન ઍક્ટ, ૧૯૫૮ની જોગવાઈઓની વિરુદ્ધ ગણાવ્યો છે. આ ઍક્ટ હેઠળ ૧૦ વર્ષથી વધુ ઉંમરનાં અને ખેતી કે પ્રજનન માટે અસમર્થ પશુઓની કતલ માટે સક્ષમ સત્તાધિકારીના સર્ટિફિકેટના આધારે કાયદેસર મંજૂરી આપવામાં આવે છે, જેની હાઈ કોર્ટે સંપૂર્ણ અવગણના કરી છે.

national news india tamil nadu indian government supreme court hinduism