વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજય

28 May, 2026 12:25 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સથી કૉપરપ્લેટ પાછી લાવવા બદલ ધન્યવાદ આપ્યા

મુખ્ય પ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ તેઓ પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તામિલનાડુના નવા મુખ્ય પ્રધાન વિજય ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની નવી ઑફિસ સેવાતીર્થમાં ૨૦ મિનિટ માટે મળ્યા હતા. મુખ્ય પ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ તેઓ પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

નરેન્દ્ર મોદી તાજેતરમાં નેધરલૅન્ડ્સથી પ્રાચીન તાંબાની પ્લેટ પાછી લાવ્યા એ માટે વિજયે તેમને ધન્યવાદ આપ્યા હતા. અગિયારમી સદીની આ કૉપરપ્લેટ્સ ચોલ વંશના સમયની છે અને એના પર સંસ્કૃત અને તામિલ ભાષામાં શિલાલેખ છે. આ પ્રાચીન વારસો ભારતને હાથ લાગ્યો છે.

આ સિવાય વિજયે વડા પ્રધાન સમક્ષ માગણી કરી હતી કે સરકારી કાર્યક્રમોની શરૂઆતમાં રાજ્યગીત વગાડવાની પરવાનગી આપવામાં આવે. જાન્યુઆરીમાં ગૃહમંત્રાલયે આદેશ આપ્યો હતો કે સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત વગાડવામાં આવે.

આ સિવાય વિજયે તામિલનાડુના માછીમારોની મુક્તિની માગણી કરી હતી. ૨૦૨૬માં શ્રીલંકા દ્વારા માછીમારોને પકડવાની ૧૨ ઘટનાઓમાં ૫૮ માછીમારો શ્રીલંકાની જેલોમાં બંધ છે. ૨૬૬ બોટ જપ્ત કરવામાં આવી છે. આ માછીમારો અને બોટને જલદી છોડવામાં આવે એવી માગણી વિજયે કરી હતી.     

national news india tamil nadu narendra modi indian government netherlands vijay