19 January, 2026 08:50 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સંગમતટ પર જતી વખતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને અટકાવવામાં આવ્યા હતા.
મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજના સંગમ તરફ જતા રસ્તા પર એકાએક એટલી બધી ભીડ વધી ગઈ કે બદરીનાથની જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સ્નાન કર્યા વિના પાછા જવાનો વારો આવ્યો હતો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે ‘મારા શિષ્યો પર હુમલો થઈ રહ્યો છે. અધિકારીઓ મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેથી હું સ્નાન નહીં કરું.’
ભીડના દબાણ અને સુરક્ષા-ચિંતાઓને ટાંકીને માઘમેળાના પ્રશાસને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને તેમના રથમાં સંગમ નોઝ તરફ આગળ વધતા અટકાવ્યા હતા. અધિકારીઓએ તેમને રથમાંથી નીચે ઊતરીને પગપાળા આગળ વધવાની વિનંતી કરી હતી, પરંતુ શંકરાચાર્ય અને તેમના સમર્થકોએ ના પાડી દીધી હતી. સમર્થકો આગળ વધતા રહ્યા હતા, જેને કારણે ઘટનાસ્થળે હાજર પોલીસ-અધિકારીઓ સાથે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી ત્યારે વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઍડિશનલ જનરલ ઝોન અજય પાલ શર્માએ વ્યક્તિગત રીતે ઘટનાસ્થળે હાજરી આપી હતી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં શંકરાચાર્યે રથ દ્વારા જ જવાનો આગ્રહ રાખ્યો હતો અને સ્નાન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વહીવટી તંત્રે મને નહાવાની મંજૂરી આપી નહોતી એથી હું પાછો ફરી રહ્યો છું.