14 January, 2026 06:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાળકો અને વૃદ્ધોને કૂતરું કરડે, ઈજા પહોંચાડે કે મારી નાખે તો એ માટે રાજ્ય સરકાર પાસેથી ભારે વળતર અપાવવાની ચેતવણી આપીને કોર્ટે સવાલ કર્યો કે કેમ બધી સહાનુભૂતિ માત્ર કૂતરાઓ પ્રત્યે જ ઊમટે છે, પીડિત લોકોની પીડાનું શું?
મંગળવારે ફરી એક વાર રખડતા કૂતરાઓના મુદ્દે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચે કેટલીક મહત્ત્વની ટિપ્પણીઓ કરી હતી. ૯ વર્ષની છોકરીને રખડુ કૂતરાઓએ બચકાં ભરીને મોતને ઘાટ ઉતારી એ ઘટનાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ‘જ્યારે આવા કૂતરાઓને ડૉગ-લવર સંસ્થાઓ ખાવાનું ખવડાવી રહી છે તો જવાબદારી કોની બને છે? શું કોર્ટ આંખો બંધ કરી લે અને બધું આમ જ ચાલતું રહેવા દે?’
ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે શ્વાનપ્રેમી લોકોની ભાવનાઓ માત્ર કૂતરાઓ માટે જ દેખાય છે, પીડિતોના દરદ અને જીવની કિંમતને કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? કૂતરા કરડવાના કિસ્સાઓ માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને એમને ખાવાનું ખવડાવતાં લોકો અને સંગઠનોને જવાબદાર ઠેરવવાની વાત કરતાં કહ્યું હતું કે ‘બાળકો અને બુઝુર્ગોને કૂતરાઓ કરડે, ઈજા પહોંચાડે કે મોતને ઘાટ ઉતારે એ દરેક કેસમાં અમે રાજ્ય સરકારો પાસેથી ભારે વળતર અપાવીશું, કેમ કે એમણે છેલ્લાં પાંચ વર્ષમાં નિયમો લાગુ કરવા માટે કંઈ નથી કર્યું. એટલું જ નહીં, રખડુ કૂતરાઓને ખાવાનું ખવડાવનારાઓની જવાબદારી પણ નિશ્ચિત કરી લેવામાં આવશે. જો તમને આ પ્રાણીઓથી એટલો પ્રેમ છે તો તમે એમને તમારા ઘરે કેમ નથી લઈ જતા? કૂતરાઓ રોડ પર ફરતા રહે છે, લોકોને કરડે છે અને ડરાવે છે. એમને અમે એમ જ છોડી નથી શકતા. કૂતરાઓમાં એક ખાસ વાઇરસ હોય છે જેનો કોઈ ઇલાજ નથી. અત્યાર સુધી ૪ વારની સુનાવણીમાં લાગણીઓ માત્ર કૂતરાઓ માટે જ દેખાઈ રહી છે.’
પીડિત મહિલાએ કોર્ટમાં કર્યો કૂતરાઓનો બચાવ
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કૂતરું કરડવાનો શિકાર બનેલી એક મહિલાએ પણ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું એ વાત સાથે સહમત છું કે ઍનિમલ બર્થ કન્ટ્રોલ કાર્યક્રમ યોગ્ય રીતે લાગુ કરવાથી કૂતરાઓની આક્રમતા અને એમની સંખ્યા ઘટાડવામાં ચોક્કસ મદદ થશે. જોકે મને એક કૂતરો કોઈ કારણ વિના, કોઈનીયે ઉશ્કેરણી વિના કરડ્યો હતો. હું એ સમજવા ઇચ્છું છું કે એ કૂતરો મને કેમ કરડ્યો? એ કૂતરો લાંબા સમયથી ક્રૂરતાનો શિકાર હતો. લોકો તેને લાત મારતા, પથ્થરો મારતા. મને કરડવું એ તેની રક્ષાત્મક આક્રમકતા હતી. મેં બીજા કોઈનાં કાર્યોની સજા ભોગવી હતી.’