લક્ષ્મણરેખા ઓળંગવામાં આવી

06 July, 2022 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક ગ્રુપે બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તાં નૂપુર શર્મા વિરુદ્ધનાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ઑબ્ઝર્વેશન્સની ગઈ કાલે ટીકા કરી હતી.

નુપુર શર્મા

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક ગ્રુપે બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તાં નૂપુર શર્મા વિરુદ્ધનાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ઑબ્ઝર્વેશન્સની ગઈ કાલે ટીકા કરી હતી. આ ગ્રુપે આરોપ મૂક્યો હતો કે સુપ્રીમ કોર્ટે ‘લક્ષ્મણરેખા’ ઓળંગી છે અને તાત્કાલિક આ ઑબ્ઝર્વેશનમાં સુધારો કરવા માટે પગલાં લેવાની પણ માગણી કરી છે. 
આ ઓપન સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ કમનસીબ કમેન્ટ્સનું જ્યુડિશ્યરીના ઇતિહાસમાં આ પહેલાં કોઈ ઉદાહરણ નથી અને એ સૌથી વિશાળ લોકશાહીની ન્યાયપ્રણાલી પર ભૂંસાય નહીં એવો ડાઘ છે. આ કમેન્ટ્સની દેશનાં લોકતાં​ત્રિક મૂલ્યો અને સુરક્ષા પર ગંભીર અસરો થવાની સંભાવના હોવાના કારણે એમાં 
સુધારા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.’
નોંધપાત્ર છે કે સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ નૂપુર શર્માની પહેલી જુલાઈએ આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે તેનાં બેજવાબદાર નિવેદનોના કારણે આખા દેશમાં આગ લાગી છે. 
આ ઑબ્ઝર્વેશનની ટીકા કરતાં સ્ટેટમેન્ટમાં વધુ જણાવાયું હતું કે ‘દેશની ફિકર કરતા નાગરિકો તરીકે અમે માનીએ છીએ કે તમામ સંસ્થાનો બંધારણ અનુસાર એમની ફરજ બજાવે ત્યાં સુધી કોઈ પણ દેશની લોકશાહી અખંડિત રહી શકશે. સુપ્રીમ કોર્ટના બે જજો દ્વારા તાજેતરની કમેન્ટ્સે લક્ષ્મણરેખા ઓળંગી છે અને અમને એક ઓપન સ્ટેટમેન્ટ આપવાની ફરજ પડી છે.’
નોંધપાત્ર છે કે, છેલ્લા ઘણા સમયથી એક રીત ચાલી આવી છે કે, અમુક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારના સમર્થનમાં કે વિરોધમાં ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સ દ્વારા કોઈ મુદ્દે ઓપન લેટર લખવામાં આવે છે. જેમ કે, આ પહેલાં ધિક્કારના રાજકારણના મુદ્દે ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક સમૂહે કેન્દ્ર સરકારની ટીકા કરી જ્યારે બીજાએ એને સમર્થન આપ્યું હતું.  

આ લોકોએ ઓપન સ્ટેટમેન્ટ પર સાઇન કરી 

૧૫ ભૂતપૂર્વ જજ, ૭૭ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ અને ૨૫ ભૂતપૂર્વ મિલિટરી ઑફિસર્સ દ્વારા ઓપન સ્ટેટમેન્ટ પર સાઇન કરવામાં આવી છે. સાઇન કરનારાઓમાં બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ​​િક્ષતિજ વ્યાસ, ગુજરાત હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એમ. સોની, રાજસ્થાન હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ આર. એસ. રાઠોડ અને પ્રશાંત અગરવાલ તેમ જ દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એન. ઢિંગરા પણ સામેલ છે. ભૂતપૂર્વ આઇએએસ ઑફિસર્સ આર. એસ. ગોપાલન અને એસ. ક્રિષ્નાકુમાર, ઍમ્બેસેડર (નિવૃત્ત) નિરંજન દેસાઈ, ભૂતપૂર્વ ડીજીપી એસ. પી. વૈદ્ય અને બી. એલ. વોહરા, લેફ્ટનન્ટ જનરલ વી. કે. ચતુર્વેદી (નિવૃત્ત) તેમ જ ઍર માર્શલ (નિવૃત્ત) એસ. પી. સિંહે પણ આ સ્ટેટમેન્ટ પર સાઇન કરી છે.

અજમેરવાસીએ નૂપુરનું ગળું કાપનારને પોતાનું મકાન આપવાની જાહેરાત કરી, વિડિયો વાઈરલ થયો

પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્માએ વાંધાજનક કમેન્ટ્સ કરતાં જ દેશભરમાં એનો વિરોધ થયો. જોકે હવે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ ઉશ્કેરણીજનક કમેન્ટ્સ કરી છે. તેણે નૂપુર શર્માનું માથું કાપી નાંખનારને પોતાનું મકાન આપવાની જાહેરાત કરી છે. એક વિડિયોમાં સલમાન ​ચિશ્તીએ નૂપુરની વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ચિશ્તીએ કહ્યું હતું કે ‘સમય પહેલાં જેવો રહ્યો નથી. જે પણ નૂપુર શર્માનું ગળું લાવશે તેને હું મારું ઘર આપીશ અને રસ્તા પર નીકળી જઈશ; આ વચન આપું છું.’ સલમાન ચિશ્તીનો આ ​વિડિયો વાઇરલ થયા બાદ અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

national news supreme court