17 October, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઈટ
તહેવારોની મોસમ નજીક આવે ત્યારે ઍરલાઇનો મનસ્વી અને અતિશય ઊંચાં ભાડાં વસૂલ કરે છે એના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી અને એના પર ગઈ કાલે સુનાવણી થઈ હતી. આ સમયે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે સરકારે વિમાનનાં ભાડાંનું નિયમન કરવા માટેના નિયમોને આખરી ઓપ આપી દીધો છે અને બે અઠવાડિયાંની અંદર એને જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે ૧૬ નવેમ્બર સુધીમાં આ નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે; આ તારીખે જ આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ વિક્રમ નાથ, આર. મહાદેવન અને અપરેશ સિંહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવ્યું હતું કે નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને એને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે.
ઑગસ્ટ મહિનામાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે જે ઍરલાઇન્સ નિયમોનું પાલન ન કરે એની કામગીરી અટકાવી દેવી જોઈએ, એનાં વિમાનોને ગ્રાઉન્ડ કરી દેવાં જોઈએ.