બોમ્બે હાઈકોર્ટના સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટવાળા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો, જાણો વિગત

18 November, 2021 04:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બળાત્કારના કેસ અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્કીન ટુ સ્કીન કોન્ટેકવાળા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

બળાત્કારના કેસ અંગે બોમ્બે હાઈકોર્ટ (Bombay highcourt)દ્વારા આપવામાં આવેલા સ્કીન ટુ સ્કીન કોન્ટેકવાળા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. હાઈકોર્ટના આ નિર્ણય પર વિવાદ ઊભો થયો હતો. હાઈકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું હતું કે POCSO એક્ટ હેઠળ જાતીય સતામણીનો ગુનો ત્યારે જ ગણી શકાય જો આરોપી અને પીડિતા વચ્ચે સ્કિનનો સંપર્ક હોય. કોર્ટના આ નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને એટર્ની જનરલ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતી વખતે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેન્ચે આ નિર્ણયને રદ કર્યો હતો.

ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ હાઈકોર્ટના નિર્ણયને વાહિયાત ગણાવ્યો અને કહ્યું, `પોક્સો કાયદા હેઠળ ગુનો બનાવવા માટે શારીરિક અથવા ચામડીના સંપર્કની શરત વાહિયાત છે અને આનાથી કાયદાના હેતુ સંપૂર્ણપણે ખતમ થઈ જશે,  જે બાળકોને જાતીય ગુનાઓથી બચાવવાનો છે.` કોર્ટે કહ્યું કે જો આ પરિભાષાને સ્વીકારવામાં આવે તો મોજા પહેરીને બળાત્કાર કરનારા લોકો ગુનાથી બચી જશે. આ એક ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નિયમો એવા હોવા જોઈએ કે તે કાયદાને મજબૂત બનાવે ના કે તે તેના હેતુને નષ્ટ કરે.

નોંધનીય છે કે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કપડા ઉપરથી સગીરાના આંતરિક ભાગને સ્પર્શ કરવો એ યૌન શોષણ નથી, જ્યાં સુધી સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ ન થાય ત્યાં સુધી તે ગુનો નથી. આ નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે 27 જાન્યુઆરીએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, આ કેસ 14 ડિસેમ્બર, 2016નો છે. જ્યારે બાળકીની માતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે આરોપી તેની 12 વર્ષની પુત્રીને ખવડાવવાના બહાને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેના કપડા ખોલવાની કોશિશ કરી અને તેનો અંદરનો ભાગ કપડા ઉપર દબાવી દીધો.

ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીને POCSO હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે, હાઈકોર્ટે આદેશમાં ફેરફાર કર્યો અને કેસને આઈપીસીની કલમ 354 હેઠળ છેડછાડ તરીકે ગણ્યો અને POCSO હેઠળ જાતીય ગુના તરીકે નહીં. બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કપડા હટાવ્યા વિના આ મામલો પોક્સો હેઠળ જાતીય ગુનો નથી. 

national news supreme court bombay high court